ગુજરાત
News of Wednesday, 23rd June 2021

વડોદરાની મેડિકલ કોલેજના રેડિયોલોજી વિભાગના પૂર્વ HOD ડોકટરની સાફ વાત

હેલ્થના નામે પરમિટ એ મોટું ફ્રોડ, કઇ હોસ્પિટલ ઇલાજ માટે દારૂ રાખે છે

દારૂબંધી છે ત્યાં લઠ્ઠાકાંડમાં વધુ મોત, દારૂબંધી હટાવી લેવી જોઇએ : ગુજરાતમાં દારૂબંધીના કારણે વધુ પડતાં લોકો દારૂના રવાડે ચઢ્યા છે

અમદાવાદ,તા. ૨૩: ગુજરાતમાં દારૂબંધી એ લોકો સાથે મોટી છેતરપિંડી છે, હેલ્થના નામે દારૂની પરમિટ પણ મોટું ફ્રોડ છે, જો મેડિકલના ગ્રાઉન્ડ પર દારૂની જરૂરિયાત હોય તો કઈ હોસ્પિટલો ઈલાજ માટે હોસ્પિટલમાં દારૂનો જથ્થો રાખે છે? એટલું જ નહિ પરંતુ મોટા પાયે દારૂબંધી હોય ત્યાં જ લઠ્ઠાકાંડની દ્યટના સર્જાય છે અને લોકો મોતને ભેટે છે, દારૂબંધી નથી તેવા રાજયમાં આવી ઓછી દ્યટના બને છે, એકંદરે દારૂબંધી હટાવી લેવી જોઈએ, દારૂબંધીના કારણે લોકોમાં એ હદે કુતૂહલતા હોય છે કે, નહિ પીનારા પણ પીતાં થઈ ગયા છે, આ મત વડોદરાના ૯૪ વર્ષના બુઝુર્ગ નિવૃત્ત્। ડોકટર નટવરલાલ દવેએ વ્યકત કર્યો હતો.

વડોદરાની મેડિકલ કોલેજના રેડિયોલોજી વિભાગના પૂર્વ એચઓડી ડોકટર દવેએ પોતાનો અભિપ્રાય વ્યકત કરતાં જણાવ્યું હતું કે, દારૂએ દૂષણ છે એમાં ના નથી, ઘણા લોકોને જોઈએ છે કે, દારૂ પીધા પછી મારપીટ કરતાં હોય છે, હકીકતમાં વધારે દારૂ પીવાથી નુકસાન થાય છે, સમાજે દારૂબંધીને બદલે વધુ દારૂ ન પીવું જોઈએ, વધારે પીવાથી નુકસાન થાય છે તેવી ઝુંબેશ ઉપાડવી જોઈએ.

હેલ્થના નામે દારૂની પરમિટ એ નરી ધુપ્પલ છે, મેં કોઈ બુકમાં કયારેય વાંચ્યું નથી કે, બીમારીમાં દારૂની જરૂર પડે છે, જો એવું જ હોત તો હોસ્પિટલોમાં દારૂનો જથ્થો ના પડયો હોત, કઈ હોસ્પિટલો દારૂ રાખે છે? એટલું જ નહિ જો સરકાર હેલ્થના નામે પરમિટ આપે છે તો પછી શું કામ ફી વસૂલે છે?

ડોકટરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે એના કારણે પણ દ્યણા લોકોને દારૂ પીવાની બાબતને લઈ કુતૂહલતા હોય છે, જો દારૂ છૂટથી મળતું હોય તો એ લોકોમાં પણ દારૂ પીવા માટે ઉત્સુકતા ન જાગે. ગુજરાતમાં વારંવાર એવું પણ કહેવામાં આવે છે કે, આ ગાંધીનું ગુજરાત છે એટલે દારૂબંધી છે, પણ ગાંધી ગુજરાતના જ નહિ આખા હિન્દુસ્તાનના હતા,તો પછી આખા હિન્દુસ્તાનમાં દારૂબંધી કેમ નથી?

તેમણે કહ્યું કે, ગાંધીજી હતા ત્યારે દારૂબંધી નહોતી, ગાંધીએ દારૂબંધી માટે ઝુંબેશ ઉપાડી નહોતી. હકીકતમાં તો ગુજરાતમાં દારૂબંધીના કારણે વધુ લોકો દારૂ પીતાં થયા છે.

(10:22 am IST)