ગુજરાત
News of Wednesday, 23rd June 2021

જો કે ભાવ ૧૦ થી ૨૦ ટકા વધી ગયા

મંદિર ખૂલી જતાં ફૂલોની ડીમાન્ડમાં ઉછાળો

અમદાવાદ, તા.૨૩: હવે જયારે રાજય સરકારે ધાર્મિક સ્થાનોને ખોલી દેવાની મંજુરી આપી દેતાં મંદિરોમાં આરતી થવા માંડી છે અને ભકતોની પૂજા અર્ચના શરૂ થઇ ગઇ છે પરંતુ પૂજા માટેના ફૂલોમાં હજુ ૧૦ થી ૨૦ ટકા વધુ ભાવખરીદી પર ચુકવવા પડે છે.

એક અંદાજ મુજબ ગુજરાતના ૪૦૦૦ થી ૫૦૦૦ મંદિરોમાં પૂજા માટે અંદાજે ૧ કરોડ રૂપિયાના ફૂલોની હોલસેલ અને રીટેઇલ ભાવે ખરીદી થાય છે અને આ કામ અમદાવાદમાં રામી ભાઇઓ કરે છે. અમદાવાદમાં ૫૦૦થી ૬૦૦ ફૂલો વેચનારા મંદિરોમાં બેસે છે અને ગુલાબ, મોગરા, ગલગોટા જેવા ફૂલો વેચીને રોજના ૨૦૦ રૂપિયા કમાઇ લે છે.

સૌથી વધુ ફૂલો શિવ મંદિરોમાં વેચાય છે. જુદી જુદી જાતના ગુલાબ કોરોના અગાઉ ૧૦૦ રૂ.કિલો હતા તે અત્યારે ૨૦૦માં વેચાય છે તેવી રીતે ગલગોટા (હજારી)નો ભાવ વધીને કિલોએ રૂ.૨૫૦ થઇ ગયો છે. સૌથી મોંઘા મોગરાના ફૂલ રૂ. ૪૦૦માં વેચાય છે.

અમદાવાદના પ્રખ્યાત નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરમાં ભકતો કમળના ફૂલો માતાજીને ચઢાવે છે. જેથી ઘણું કામ થઇ જાય છે. અમદાવાદની આજુ બાજુના તળાવોમાંથી કમળ મળે છે પરંતુ હાલમાં એક કમળના ૧૦ રૂપિયા થઇ ગયા છે.અમદાવાદ જિલ્લામાં બાવળા, ધોળકા વગેરે વિસ્તારોમાં ફૂલોની મોટી ખેતી થાય છે અને ત્યાંથી ફૂલો અમદાવાદ જ નહીં મુંબઇ અને દિલ્હીના બજારોમાં વેચાય છે. ગુલાબ તો વિદેશોમાં નિકાસ થાય છે.

સોમવારે શંકર ભગવાનનો દિવસ હોઇ સમર્થેશ્વર મહાદેવમાં ૨૦ થી ૨૫માં કમળ વેચાઇ છે તેવી રીતે 'વેલેન્ટાઈન' ડે ના દિવસે ગુલાબના ભાવ આસમાન છૂતા હોય છે. તેવી જ રીતે ગુરૂદ્વારે સાંઇબાબા અને જલારામ મંદિરોમાં ફૂલોની ખરીદી વધુ હોય છે. શનિવારે શનિદેવના મંદિરે જૈન શ્રાવકો સંકલ્પ પૂજા કરતા હોય છે તેથી ફૂલોની ખરીદી વધુ હોય છે.

(10:22 am IST)