ગુજરાત
News of Tuesday, 23rd June 2020

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે

કચ્છના મોટાભાગોમાં ચોમાસુ બેસી ગયું, બે દિવસમાં સમગ્ર ગુજરાતને આવરી લેશે : સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતના ૭૦ ટકા વિસ્તારોમાં કોઇ કોઇ દિવસે ઝાપટા-હળવો વરસાદઃ બાકીના ૩૦ ટકા વિસ્તારોમાં ઝાપટા - હળવો-મધ્યમ એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદ પડશેઃ સૌરાષ્ટ્રના કાંઠાના ગુજરાતના રાજસ્થાન-એમ.પી. બોર્ડરના વિસ્તારોમાં વધુ સંભાવનાઃ વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની ૩૦ જુન સુધી આગાહી

રાજકોટઃ  રાજયમાં સાર્વત્રીક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે. તેઓએ ૩૦ જુન સુધીની આગાહી કરતા જણાવેલ કે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતના ૭૦ ટકા વિસ્તારોમાં કોઇ કોઇ દિવસે અલગ અલગ વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો વરસાદ પડશે જયારે બાકીના ૩૦ ટકા વિસ્તારોમાં ઝાપટા-હળવો-મધ્યમ તેમજ એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદ ની સંભાવના છે. તેમાં સૌરાષ્ટ્રના કાંઠાના અને ગુજરાતના રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારોમાં વધુ શકયતા છે.

તેઓએ જણાવેલ કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આજે કચ્છના મોટાભાગોમાં  બેસી ગયેલુ છે અને અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના અમુક ભાગોમાં પહોંચી જશે. આવતા બે દિવસમાં ગુજરાતના બાકીના ભાગો અને ઉત્તર ભારતમાં પહોંચી જશે.

એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ઇન્ટીરીયર  ઓડીશા ઉપર ૧.૫ થી ૫.૮ કિ.મી.ના લેવલ સુધી છવાયેલ છે.

વધતી ઉંચાઇએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવે છે. ૧.૫ કી.મી.ના લેવલનો ટ્રફ નોર્થ વેસ્ટ રાજસ્થાનથી નોર્થ વેસ્ટ બંગાળની ખાડી સુધી લંબાય છે. (વાયા નોર્થ મધ્યપ્રદેશ, નોર્થ છત્તીસગઢ, નોર્થ ઓડીશા)

 મધ્ય-નોર્થ અરેબીયન સીમા એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૩.૧ કિ.મી.ના લેવલનું હતુ. જે હવે થોડુ પશ્ચિમ તરફ વધ્યું છે.

અશોકભાઇએ તા.૨૩ થી ૩૦ જુન સુધીની આગાહી કરતા જણાવેલ કે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં આગાહીના અમુક દિવસે ૭૦ ટકા વિસ્તારોમાં અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં ઝાપટાથી હળવો વરસાદ બાકીના ૩૦ ટકા વિસ્તારોમાં ઝાપટાથી હળવો મધ્યમ અને એકલ દોકલ  વિસ્તારોમાં આગાહીના અમુક દિવસે ભારે વરસાદની સંભાવના છે. તેમાં સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તાર અને ગુજરાત નજીક રાજસ્થાન અને એમ.પી. બોર્ડરના વિસ્તારોમાં વધુ શકયતા રહેલી છે. આગાહીના અંતિમ દિવસોમાં વાાતાવરણ સુધરતુ જોવા મળશે.

(3:44 pm IST)