ગુજરાત
News of Saturday, 23rd June 2018

આણંદમાં બે મકાનમાંથી તસ્કરોએ 2.75 લાખની મતાનો હાથફેરો કર્યો

આણંદ:શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સક્રિય થયેલી ચોર ટોળી દ્વારા ચોરીઓ કરીને શહેરીજનોની ઊંઘ હરામ કરી નાંખી છે. ત્રણ-ચાર દિવસ પહેલા સ્વામિનારાયણ સોસાયટીના બે મકાનોમાંથી લાખોની મત્તાની ચોરી કર્યા બાદ ગત ૧૭મી તારીખે આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલા એક મકાનમાંથી વધુ એક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. શહેર પોલીસે આ અંગે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ તથા ફીંગર પ્રીન્ટ નિષ્ણાતની મદદથી તપાસ હાથ ઘરી છે. 

 


ચોરીની મળતી વિગતો અનુસાર આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા ચીનાર-ગુલનાર પાછળના રાજાબાબુ લેનમાં આવેલા સાતવી બંગલામાં શરદચન્દ્ર દેવીદાસ શાહ પત્ની, પુત્ર તથા પુત્રવધુ સાથે રહે છે. તેમની બન્ને પુત્રીઓ સીંગાપુર છે. ગત ૧૫મી તારીખના રોજ પુત્ર ધંધાના કામે પુના ગયો હતો જ્યારે પુત્રવધુ અમદાવાદ પીયર ગઈ હતી. 

દરમયાન ઘરે રહેલા પતિ- પત્ની ગત ૧૭મી તારીખના રોજ રાત્રીના સુમારે જમીને મકાનના નીચેના રૂમમા ંસુઈ ગયા હતા. ત્યારે ત્રાટકેલા તસ્કરો ઉપરના માળની બારી વાટે અંદર ઘુસ્યા હતા અને લાકડાના ત્રણ કબાટ તેમજ તેમાં મુકેલી લોખંડની તિજોરી ખોલી નાંખીને અંદરથી સોના-ચાંદીના તથા ડાયમંડના દાગીના વિદેશી ચલણ ડોલર, પાઉન્ડ, દિરહામ, સીંગાપુરી ડોલર સહિત કુલ ૨.૭૫ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે તેઓ ઉઠ્યા ત્યારે ઘરનો બધો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો જેથી તપાસ કરતાં ઉક્ત મત્તાની ચોરી થયાનું ખુલવા પામ્યું હતુ. તેઓએ આજદિન સુધી સીસીટીવી ફુટેજની મદદથી તપાસ હાથ ઘરી હતી. પરંતુ કોઈ મળી આવ્યુ નહોતુ. જેને લઈને આજે સવારે શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જે રીતે ચોરીની ઘટના બની છે તેની પાછળ કોઈ જાણભેદુનો હાથ હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે જેને લઈને પોલીસ દ્વારા આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

(5:50 pm IST)