ગુજરાત
News of Saturday, 23rd May 2020

ગુજરાત એટીએસને બીજી મોટી સફળતા : દાઉદ ઇબ્રાહિમ માટે કામ કરનાર શરીફ ખાનના સાગરીત બાબુ સોલંકીને ઝડપ્યો

અમદાવાદ : ગુજરાત ATSને છેલ્લા 2 દિવસમાં બીજી મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATS એ દાઉદ ઇબ્રાહિમ માટે કામ કરનાર શરીફ ખાનના સાગરીત બાબુ સોલંકીને ઝડપી પાડ્યો છે. આરોપી હાલ મુંબઇમાં રહેતો હોવાની માહિતી એટીએસના પીઆઈ સીઆર જાદવને મળી હતી અને તે માહિતીના આધારે તેની ધરપકડ કરવા માં આવી છે.

 

              વર્ષ 2006માં આરોપી બાબુ સોલંકી અનેક ગુનાઓને અંજામ આપી મુંબઈ ભાગી ગયો હતો. જયાં બોડીગાર્ડનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી બાબુ સોલંકી અને સાબિર મિયા સિપાહીને રૂપિયા 10 કરોડ કઢાવવા માટે ખંડણીનું કામ આપવામાં આવ્યું હતું અને આ કામ માટે બાબુ સોલંકીને ખંડણી પેટે 3 કરોડ રૂપિયા મળવાના હતા. આ ખંડણી ઊંઝાના એક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ પરંતુ આ ગુનામાં આરોપી સાબિર મિયાને એક હથિયાર, 5 કારતુસ અને જહાંગીર સૈયદને 1 રિવોલ્વર અને 7 કારતુસ સાથે ઝડપી પાડ્યા હતા. જે અંગે એટીએસમાં 2 જૂન 2006માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
              આરોપીઓની ગુનાહિત ઇતિહાસમાં  2006માં એટીએસમાં આર્મ્સ અને ખંડણી એક્ટનો ગુનો, 2008માં સુરતમાં 32 લાખની આંગડિયા લૂંટ, 1996માં મુંબઇમાં 307 નો ગુનો, 2015માં સિદ્ધપુરમાં લૂંટનો ગુનો, 2019માં નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે નકલી પોલીસ બની લૂંટનો ગુનો દાખલ થયેલ છે. વોન્ટેડ આરોપી શરીફ ખાન દાઉદ ઇબ્રાહિમ માટે કામ કરી ટાડા, નાર્કો,હથિયારો અને હત્યા સહિત ખંડણીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે અને જે હાલ પાકિસ્તાનમાં દાઉદ માટે કામ કરી રહયો છે.

(10:46 pm IST)