ગુજરાત
News of Saturday, 23rd May 2020

સુરત ખાતે ૩૯ યુવકો દ્વારા ૨૨ લાખ માસ્કનું ઉત્પાદન

તમામ માસ્કનું ફ્રીમાં વિતરણ કરાયું : મોટા મંદિર યુવક મંડળના યુવાનોએ માસ્ક બનાવીને વિના મૂલ્યે વિતરણ કરીને દેશ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

સુરત, તા. ૨૩  : સુરત શહેરના મોટા મંદિર યુવક મંડળના ૩૯ યુવકોએ બે મહિનામાં ૨૨ લાખ ફેસ માસ્કનું ઉત્પાદન કરીને તેનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે. ગુજરાત સહિત આખો દેશ કોરોનાની મહામારી વચ્ચે પસાર થઈ રહ્યો છે. આવા સમયમાં કોરોનાને અટકાવવા માટે દરેક વ્યક્તિએ ફેસ માસ્ક પહેરવું ફરજિયાત બન્યું છે. જેથી માસ્કની જરૂરિયાતને પહોંચી વળવા માટે મોટા મંદિર યુવક મંડળના યુવાનોએ ઘર આંગણે ૨૨ લાખ જેટલા ફેસ માસ્ક બનાવીને તેનું વિના મૂલ્યે વિતરણ કરીને દેશ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આટલી મોટી સંખ્યામાં માસ્ક બનાવવાથી લઈને તેનું પેકિંગ, ટ્રાન્સપોર્ટનો ખર્ચ અને વિતરણ કરવા માટે મંડળના ૩૯ યુવાનો રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.

          મોટા મંદિર યુવક મંડળ દ્વારા હજી વધુ ત્રણ લાખ જેટલા માસ્ક બનાવીને કુલ ૨૫ લાખ જેટલા માસ્ક બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. લોકડાઉન . પૂર્ણ થયા બાદ જરૂર પડશે તો માસ્કનું વધુ ઉત્પાદન કરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, ૨૨ લાખ માસ્કનું વિતરણ માત્ર સુરત કે ગુજરાતમાં નહીં પરંતુ દેશના અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવ્યા છે. જેમાં અમેઠી અને વારાસણીનો પણ સમાવેશ થાય છે. સંસ્થાએ મુખ્યમંત્રી પ્રેરિત હું પણ કોરોના વોરિયર, ડાઉનલોડ આરોગ્ય સેતુ એપ તેમજ મોદી માસ્ક જેવા વિવિધ સ્લોગનની ડિઝાઈનવાળા રંગીન માસ્ક બનાવાયા છે. મંડળ દ્વારા રોજના ૪૦ થી ૫૦ હજાર માસ્કનું ઉત્પાદન કરવામાં આવે છે. માત્ર સુરત શહેરમાં નહીં પરંતુ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, અંકલેશ્વર, ભરૂચ, વલસાડ, વારાસણી અને અમેઠીમાં પણ જથ્થાબંધ માસ્ક મોકલવામાં આવ્યા છે.

            સંસ્થાના મુખ્ય કાર્યકર્તાના જણાવ્યા મુજબ, પીએમ મોદીઅએ સ્વદેશી ઉત્પાદનો અપનાવીને આત્મનિર્ભર બનવાનો સંદેશો આપ્યો છે. વધુમાં વધુ માસ્ક બનાવીને વિદેશ પર નિર્ભર રહેવાને બદલે ઘરઆંગણે મોટી માત્રામાં માસ્ક ઉત્પાદન કરીને વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છીએ. ૨૩ માર્ચના રોજ બધા કાર્યકર્તાઓએ ભેગા મળીને નક્કી કર્યું કે, કોરોના સંકટ વચ્ચે માસ્કની મોટા પાયે જરૂરિયાત ઊભી થવાની છે. જેને પહોંચી વળવા માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કરવાની યોજના બનાવી હતી. શરૂઆતમાં ટાર્ગેટ લાખ માસ્કનો હતો જે ધીમે ધીમે ૨૫ લાખ સુધી પહોંચ્યો છે.

(9:49 pm IST)