ગુજરાત
News of Saturday, 23rd May 2020

વિજ બિલમાં બે મહિનાની રાહત આપવાની માંગ થઇ

મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી માંગ કરાઈ : લોકડાઉનમાં લોકોના કામ-ધંધા બંધ થતાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા : અલ્પેશ ઠાકોરની માંગણી

અમદાવાદ, તા. ૨૩ : ગુજરાત સહિત દેશભરમાં ૨૫મી માર્ચથી લોકડાઉન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ચાર તબક્કામાં લોકડાઉનની જાહેરાત કરાઈ છે. લોકડાઉનના કારણે લોકોના કામ-ધંધા બંધ થઈ જતાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. વચ્ચે પૂર્વ ધારાસભ્ય અને ઓબીસી, એસીસી અને એસ.ટી એકતા મંચના પ્રેસિડેન્ટ અલ્પેશ ઠાકોરે રાજ્યમાં મહિનાનું લાઈટબિલ માફ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. અલ્પેશ ઠાકોરે લખેલા પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, લોકડાઉનમાં રાજ્યના મોટાભાગની જનતા ઘરમાં સમય પસાર કરી રહી છે.

         ઉનાળો હોવાથી વીજ વપરાશમાં પણ વધારો થયો છે. એવામાં લોકોને એપ્રિલ-મેમાં વીજળી બિલ ભરવામાંથી મુક્તિ મુક્તિ આપવી જોઈએ. પત્રમાં અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકાર દ્વારા વીજળી બિલની સહાયનો પણ ઉલ્લેખ કર્યાે. અલ્પેશ ઠાકોર લખે છે, રાજ્યની જનતાને વીજળી બિલ ભરવામાં ૩૦ મે ૨૦૨૦ સુધી મુદત લંબાવવામાં આવી છે. એલ.ટી.ગ્રાહકોને ફિક્સ ચાર્જ, ડિમાન્ડ ચાર્જમાંથી મુક્તિ ઉપરાંત ફ્યુલ સરચાર્જમાં ૧૬ પૈસાનો ઘટાડો આપ્યો છે. પરંતુ તે પૂરતો નથી. ૫૯ દિવસના લોકડાઉન બાદ આટલી સહાય પૂરતી નથી. આથી ગરીબ,ખેડૂત તથા મધ્યમ વર્ગના લોકોનું એપ્રિલ-મે મહિનાનું વીજળી બિલ માફ કરવામાં આવે. ગુજરાત સરકારે દિશામાં વિચારીને અન્ય રાજ્યો માટે પણ દૃષ્ટાંત પૂરું પાડવું જોઈએ.

(9:36 pm IST)