ગુજરાત
News of Saturday, 23rd May 2020

કેડિલા ફાર્મામાં કામ કરતા ત્રણ કર્મચારીઓનું કોવિડ-૧૯થી મોત

ર૬ કર્મચારીના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા

અમદાવાદ, તા. ૨૩ : કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના ત્રણ કર્મચારીઓનો કોવિડ-૧૯એ ભોગ લીધો છે. આ મહિનાની શરૂઆતમાં ધોળકામાં આવેલા કેડિલાના પ્લાન્ટમાં ૨૬ જેટલા કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્રણ કર્મચારીઓના નિધનની પુષ્ટિ કરતાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારા ત્રણ સહકર્મચારીઓને ગુમાવીને અમે ખૂબ દુઃખી છીએ. અમે સતત તેમના પરિવારના સંપર્કમાં છીએ અને તેમને જરૂરી તમામ મદદ કરી રહ્યા છીએ.

કોવિડ-૧૯ના કારણે મોતને ભેટેલા ત્રણ કર્મચારીઓમાંથી બે પેકેજિંગ ડિવિઝનમાં કામ કરતા હતાં. જ્યારે એક કર્મચારી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં હતાં. મૃતકોમાંથી એક ૫૯ વર્ષીય કર્મચારીને અગાઉથી ડાયાબિટીસની બીમારી હતી. કેડિલાના પ્રવક્તાએ આગળ કહ્યું, હું ફરીથી કહીશ કે અમારા કર્મચારીઓની સુરક્ષા અને સલામતી જાળવવા અમે પ્રતિબદ્ધ છીએ. અમે હોસ્પિટલ કે ક્વોરન્ટીનાં રહેલા કર્મચારીઓના સતત સંપર્કમાં છીએ.

ખાનગી ફાર્માસ્યુટિકલ કંપની કેડિલાનો ધોળકા પ્લાન્ટ કોરોના વાયરસના કેસ મળ્યા પછી સદંતર બંધ કરી દેવાયો હતો. ૧૨૦૦ થી ૧૬૦૦ કર્મચારીઓ ધોળકાના પ્લાન્ટમાં કામ કરે છે. અહીંથી ૨૬ કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ હાલ પ્લાન્ટ બંધ કરાયો છે. ગુજરાતમાં પહેલીવાર આવું બન્યું હશે કે કોઈ ફાર્મા કંપનીના કર્મચારીઓનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવતાં પ્લાન્ટ બંધ કરાયો હોય.

(2:57 pm IST)