ગુજરાત
News of Saturday, 23rd May 2020

સોલા સિવિલમાં

વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થતા કોરોના શંકાસ્પદ દર્દીનું મોત નીપજયું

હોસ્પિટલ સતાધીશોનો બ્લાસ્ટ થયાનો ઇન્કાર

અમદાવાદ, તા. ૨૩ : સોલા સિવિલ હોસ્પિટલમાં કથિત વેન્ટિલેટર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જેમાં કોરોના શંકાસ્પદ મહિલા દર્દીનું મોત નીપજ્યું છે. મૃતક મહિલાના પુત્રએ હોસ્પિટલના તંત્ર પર આક્ષેપ કર્યાે છે કે, સોલા સિવિલમાં મારી માતાને વેન્ટિલેટર પર રખાયા હતા. ત્યારે વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થયો અને ફટાકડો ફૂટે તેવી રીતે વેન્ટિલેટરમાંથી અવાજ આવ્યો હતો. બૂમાબૂમ થતા બીજું વેન્ટિલેટર લગાડવામાં આવ્યું પરંતુ ગણતરીના મિનિટોમાં તેમનું મોત થયું હતું. જ્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા વેન્ટિલેટરમાં બ્લાસ્ટની કોઈ ઘટના નથી બની તેવો દાવો કરવામાં આવ્યો છે.

 

ગોમતીપુરના ૫૫ વર્ષીય પરવીનબાબુ પઠાણના પુત્ર આમિરખાન પઠાણે જણાવ્યા મુજબ, સોલા સિવિલ હોસ્પિટલની બેદકારીથી વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થયા બાદ તેની માતાનું મૃત્યુ થયું હતું. મારી માતાને હૃદયમાં તકલીફ હોવાથી ૨૦મીએ સારવાર માટે જીસીએસ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ આઈસીયુમાં બેડ ખાલી ન હોવાથી સોલા સિવિલમાં લઈ ગયા હતા. સોલા સિવિલ પહોંચ્યા બાદ માતાને ખાંસી ચઢી એટલે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. ગુરુવારે રાત્રે વેન્ટિલેટરમાં બ્લાસ્ટ જેવંું થયા બાદ માતને મૃત જાહેર કરાઈ હતી. ત્યારબાદ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો જ્યારે બીજી તરફ સોલા સિવિલના એક અધિકારીએ વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થયાની કોઈ ઘટના બની ન હોવાનું જણાવ્યું હતું.હોસ્પિટલના તંત્રએ જણાવ્યા મુજબ, જો વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થાય તો તરત જ આગ લાગે પરંતુ આવું કશુંય થયું નથી. મહિલાને પહેલા જ્યારે જીસીએસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે આઈસીયુ બેડ ખાલી નથી તેમ જણાવ્યું હતું. જેના કારણે મહિલાને સોલા સિવિલ લઈ જવા પડયા હતાં, પરંતુ જીસીએસ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં બે બેડ ખાલી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે જીસીએસ હોસ્પિટલના જણાવ્યા મુજબ જે દર્દીઓ દાખલ છે તેમને જરૂર પડે એટલે બેડ ખાલી છે.

(2:55 pm IST)