ગુજરાત
News of Saturday, 23rd May 2020

ગુજરાતની સૌથી મોટી કેન્સરના દર્દીઓની હોસ્પિટલનો સ્ટાફ (૧૦ર કર્મચારી) કોવિડ-૧૯ના ભરડામાં

અમદાવાદ, તા. ૨૩ : એક ચિંતાજનક બાબત એ સામે આવી છે કે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ૧૦૨ કર્મચારીઓ દર્દીઓની સારવાર કરતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. લોકડાઉનના કપરા સમયમાં પણ અહીં દરરોજ અનેક દર્દીઓ કેન્સરની સારવાર માટે નિયમિત આવતા રહેતા હતાં. ત્યારે ૫૦૦ બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં આ દરમિયાન ૬૦૦ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. જેથી ગુણોત્તર જોવામાં આવે તો પ્રતિ ૬ દર્દીએ હોસ્પિટલના એક સ્ટાફને કોરોનાનો ચેપ લાગ્યો છે. જે અત્યાર સુધી ગુજરાતની તમામ મેડિકલ સેવાઓ આપતી હોસ્પિટલ માટે સૌથી મોટો આંકડો છે.

હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન પણ દરરોજ ૫૦-૬૦ દર્દીઓ કેન્સરની સારવાર માટે હોસ્પિટલમાં આવતા હતા આવા સમયે જો હોસ્પિટલનો સ્ટાફ જ કોરોના પોઝિટીવ હોય તો તે ખૂબ જ ગંભીર બાબત છે. આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતની સૌથી મોટી કોવિડ-૧૯ હોસ્પિટલ સિવિલમાં ૧૨૦૦ બેડ છે જેના અત્યાર સુધીમાં ૬૦ અને એસવીપી હોસ્પિટલના માત્ર ૧૦ જ સ્ટાફ કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. ત્યારે કેન્સર હોસ્પિટલનો આ આંકડો ખૂબ જ મોટો છે.

સૂત્રોએ જણાવ્યું કે, કુલ પોઝિટીવ સ્ટાફ પૈકી ૧૧ સ્ટાફ રેડિયોથેરાપી, એનેસ્થેસિયા, મેડિકલ ટ્રાયલ અને ન્યુરોસર્જરી વિભાગના ફેકલ્ટી છે. ૨૫ રેસિડેન્ટ ડોક્ટર, ૨૭ સ્ટાફ નર્સ, ૨૧ મેડિકલ હેલ્પર્સ, ૭ મેડિકલ ટેક્નિશિયન, ૬ વ્યક્તિઓ સ્ટોર અથવા લેબમાં કામ કરવાવાળા છે. જ્યારે ૫ વ્યક્તિ હોસ્પિટલના એચઆરડી વિભાગના છે.

GCRI હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે એપ્રિલના અંતથી હોસ્પિટલમાં કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર પણ શરૂ કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ૪૫૦ કોવિડ-૧૯ના દર્દીઓને સારવાર આપીને સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે ૧૫૦ કોવિડ-૧૯ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.

એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, મે મહિનાના બીજા સપ્તાહમાં કોરોના પોઝિટીવ આવેલા ૯૦ સ્ટાફમાંથી ૫૧ તો એસિમ્પ્ટોમેટિક એટલે કે લક્ષણો ન દેખાતા હોય તેવા કેસ હતાં. ICMR ની ગાઈડલાઈન મુજબ આવા લોકોને ટેસ્ટ કરાવવાની જરૂર નથી પરંતુ તેમ છતાં તેઓ પ્રાઈવેટ લેબમાં ગયા હતા અને ટેસ્ટ કરાવી હતી.હોસ્પિટલના સ્ટાફની દલીલ છે કે ટેસ્ટિંગ માટેના નિયમો યોગ્ય છે પરંતુ અમારા પરિવાર અને દર્દીઓનું શું ? બની શકે કે અમે અહીં સંક્રમણથી બચીને કામ કરી રહ્યા છીએ પરંતુ અમે ઘરે જઈએ છે ત્યારે અમને ખબર જ નથી કે અમે પોઝિટીવ છીએ કે નહીં. વધારામાં અમારા કોન્ટેકમાં આવેલ દર્દીને સંક્રમણ થયું છે કે નહીં તેની પણ જાણ નથી હોતી અને તેમનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવે છે કે નહીં તેની કોઈપણ માહિતી નથી. જ્યારે ઘણો સ્ટાફ તો શહેરના રેડઝોનમાંથી નિયમિતરૂપે પોતાની ફરજના ભાગરૂપે અહીં આવે છે. જે પણ એક ચિંતાનજક બાબત છે.

(2:54 pm IST)