ગુજરાત
News of Saturday, 23rd May 2020

મ્યાંઉ-મ્યાંઉ ડ્રગ્સ સોના કરતા પણ મોંઘુઃ અનુપમસિંહ ગેહલોત

વડોદરામાં પ૭ લાખના 'મેથામ્ફેટામાઇન' ડ્રગ્સ સાથે ઝડપાયેલા શખ્સોની મોડી રાત સુધી પોલીસ કમિશ્નરે પૂછપરછમાં ચોંકાવનારી બાબતો ખૂલ્લી : ગુજરાતભરમાં રાજસ્થાન લાઇનથી ડ્રગ્સ ઘુસાડાય છેઃ એસઓજી પીઆઇ એમ.આર.સોલંકી અને વી.બી.આલની ટીમને વધુ એક સફળતા સાંપડી

રાજકોટ, તા., ૨૩: વડોદરા શહેર પોલીસની એસઓજી બ્રાન્ચ દ્વારા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગશર્દન હેઠળ પ૭ લાખનો મેથામ્ફેટામાઇન (મ્યાઉ-મ્યાઉ) ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી  લીધા બાદ એસઓજી પીઆઇ એમ.આર.સોલંકી અને પીઆઇ વી.બી.આલ ટીમ દ્વારા થયેલી પૂછપરછની સાથોસાથ પોલીસ કમિશ્નર દ્વારા મોડી રાત સુધી આરોપીઓની ટેલીફોનીક  પૂછપરછ દરમ્યાન ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવી છે.

ઉકત બાબતે અનુપમસિંહ ગેહલોતે અકિલા સાથેની વાતચીતમાં એવુ જણાવ્યું હતું કે મેથામ્ફેટામાઇન(મ્યાંઉ-મ્યાંઉ) ડ્રગ્સ સોના કરતા પણ અનેકગણું મોંઘુ છે. તેઓએ જણાવેલ કે આ ડ્રગ્સનો ૧૦ ગ્રામનો ભાવ ૧ લાખ રૂપીયા હોય છે.

અનુપમસિંહ ગેહલોતે અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે ખુબ જ મોંઘુ એવા આ ડ્રગ્સમાં ધીકતી કમાણી હોવાથી રાજસ્થાન વિગેરે સ્થળેથી આ ડ્રગ્સ રાજયભરમાં સપ્લાય થતુ હોવાનું આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે. અત્રે યાદ રહે કે વડોદરામાં કોલેજના યુવા-યુવતીઓ ડ્રગ્સના સકંજામાં સપડાયા બાદ પોલીસે ખાસ અભિયાન હાથ ધરેલ. વિદેશથી વિશેષ પ્રકારની જે કીટ મંગાવેલ  તેની નોંધ કેરળ હાઇકોર્ટે પણ લીધી હતી.

અત્રે યાદ રહે કે વડોદરા શહેર એસઓજી પીઆઇ એમ.આર.સોલંકી અને વી.બી.આલની ટીમને મળેલી ચોક્કસ બાતમી આધારે નાર્કોટીકસ ડ્રગ્સના જથ્થા સાથે સ્કોર્પીયો કારમાં બે શખ્સોને દેણા ચોકડી પાસેથી સ્કોર્પીયો કારમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.

(11:59 am IST)