ગુજરાત
News of Thursday, 23rd May 2019

ભારત વિજયી ભવઃ આ જીત સમગ્ર દેશવાસીઓની : વિજયભાઇ

સ્થિર સરકારના સાચા શિલ્પી એવા નરેન્દ્રભાઇના હાથમાં દેશ સલામત છે : અમિતભાઇએ સંગઠનનો સાચો પરીચય કરાવ્યોઃ કોઇ પક્ષ હારી જાય એટલે ઇવીએમમાં ગરબડ અને જીતી જાય તો બરાબર, આ કેવુ?: પશ્ચિમ બંગાળના કાર્યકરોનું બલીદાન એળે ન ગયું તેઓને વંદન : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પત્રકાર પરીષદ

રાજકોટઃ તા.૨૩, દેશમાં ફરી એકવખત ભાજપનું શાસન આવ્યું છે. લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપર વિશ્વાસ મુકી ખોબલે ખોબલે મત આપી વિજયી બનાવ્યા છે તો ગુજરાતમાં પણ તમામે તમામ બેઠકો ઉપર ભાજપે વિજય વાવટો ફરકાવ્યો છે. વિજયીના વધામણા કમલમ ખાતે કરવામાં આવી રહયા છે. ત્યારે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પત્રકાર પરીષદ સંબોધી કહયું કે આ જીત સમગ્ર દેશવાસીઓની છે. આ જનતાની જીત છે. નરેન્દ્રભાઇ દુનિયાભરમાં લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. જનતાએ ફરી એકવખત વડાપ્રધાન ઉપર વિશ્વાસ મુકયો છે. વિજયભાઇ કહયું કે દેશમાં મોદી લહેર જ છે. આ જીત દ્વારા ભારતવાસીઓની છે. ભારત વિજયી ભવઃ ચોકીદાર, દેશભકત, નિર્ણાયક મજબુત નેતૃત્વને સલામ છે. નરેન્દ્રભાઇના હાથમાં દેશ સલામત છે. સ્થિર સરકારના સાચા શિલ્પી નરેન્દ્રભાઇ મોદી છે તો અમિતભાઇ શાહે સંગઠનનો સાચો પરિચય કરાવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં પણ ભાજપને સારી બેઠકો મળી હોવાનું વિજયભાઇએ જણાવતા કહયું કે પશ્ચિમ બંગાળના કાર્યકરોનું બલીદાન એળે નથી ગયું ત્યાંના કાર્યકરોને વંદન ગુજરાતની ચાર વિધાનસભાની પેટાચુંટણીમાં પણ ભાજપ આગળ છે. જોશ લગાવી કાર્યકરોએ ખુબ મહેનત કરી હતી.

શ્રી રૂપાણીએ એક પ્રશ્નના જવાબમાં કહયું કે કોંગ્રેસનું નેતૃત્વ જ નિષ્ફળ છે. રાહુલ અને પ્રિયંકા નિષ્ફળ નેતાઓ છે. કોઇપણ પક્ષ હારી જાય એટલે ઇવીએમમાં ગરબડ અને જીતી જાય તો ઇવીએમ બરાબર આ કેવુ? કોંગી નેતાઓ પોતાની જવાબદારી ખંખરેવા ઇવીએમ ઉપર પરાજયનું ઠીકરૂ ફોડી રહયા છે.

તસ્વીરમાં એકબીજાને જીતની શુભેચ્છા પાઠવી મોં મીઠુ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણી નજરે પડે છે. આ પ્રસંગે શ્રી આઇ.કે. જાડેજા કેન્દ્રીય મંત્રી શ્રીમનસુખભાઇ માંડવીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહયા હતા. (૪૦.૧૫)

(4:57 pm IST)