ગુજરાત
News of Thursday, 23rd May 2019

વલસાડ બેઠક પર ભાજપના ડો. કે.સી. પટેલનો ભવ્ય વિજય

 વાપી, તા. ર૩ : વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતી ભારતની ૧૭મી લોકસભાની ચૂંટણી ૭ તબક્કે યોજાયા બાદ આજે ર૩ મે ર૦૧૯ના મત ગણતરી થતાં જ અનેક અટકળનો અંત આવ્યો છે.

હવે જયારે દિલ્હીની સરકારની વાત આવે એટલે સ્વભાવિક રીતે વલસાડ બેઠકનું નામ આવ્યા વગરના રહે, કારણ કે કહેવાય છે કે વલસાડની બેઠક એ જ દિલ્હીનો ગેટ છે અને કદાચ જાણે યોગાનુયોગ બનતું આવ્યું છે કે વલસાડ બેઠક પર જે પક્ષના ઉમેદવાર જીતે એ જ પક્ષની સરકાર દિલ્હીમાં બનતી આવી છે.

આ બેઠક ઉપર અગાઉની ચૂંટણીના સમીકરણોને સંક્ષિપ્તમાં જોઇએ તો ર૦૦૪માં કોંગ્રેસને ૪૬.૬૩ ટકા તો ભાજપને ૪૦.૧૮ ટકા મત મળતા માત્ર ૪૪,૪૮૬ મતની લીડથી કોંગ્રેસના ઉમેદવાર ક્રિશનભાઇ પટેલે ભાજપના ઉમેદવાર મણિભાઇ ચૌધરીને હરાવ્યા હતાં.

ર૦૧૯ની ચુંટણીમાં ભાજપે ડો.કે.સી.પટેલને જ મેદાનમાં ઉતાર્યા હતા. તો સામે કોંગ્રેસે સીટીંગ ધારાસભ્ય એવા જીતુભાઇ ચૌધરીને મેદાનમાં ઉતારી આદીવાસી મતો અંકે કરવા આયોજન કર્યુ હતું. પરંતુ ફરી એકવાર ભાજપના ઉમેદવાર ડો.કે.સી.પટેલે ૧ લાખથી વધુ મતોની લીડથી ભવ્ય જીત મેળવી ભાજપ માટે દિલ્હીમાં સરકાર રચવા જાણે રસ્તો સરળ કરી આપ્યો છે.

(4:34 pm IST)