ગુજરાત
News of Wednesday, 23rd May 2018

વજન ઉતારવા વિદ્યાર્થીનીઓ તમાકુના રવાડેઃ હજારો વિદ્યાર્થીઓને પણ વ્યસન

આ ઘેલછામાં ૧૧૨૦ વિદ્યાર્થીની બહેનો પણ તમાકુ ઠપકારવા લાગીઃ ૩ ડઝન કોલેજોનો ચોંકાવનારો સર્વેઃ તમાકુ લેવાથી ભૂખ મરી જાય છે

રાજકોટ તા.૨૩:  ભાડજ ડેન્ટલ કોલેજે અમદાવાદની ૮૦ કોલેજના ૮ હજાર વિદ્યાર્થિનીઓ વિદ્યાર્થીઓનો સરવે કર્યો હતો. ૧૧૨૦ વિદ્યાર્થીનીઓ તમાકુનું સેવન કરતી હોવાનું સામે આવ્યું હતું. જેમાં મોટાભાગની વિદ્યાર્થીનીઓ  વેઇટ લોસ માટે ઝીરો ફીગર માટે તમાકુના રવાડે ચઢી હોવાનું સામે આવ્યું છે. સાયન્સની ૪, કોમર્સ-આર્ટસની ૧૦ વિદ્યાર્થીનીઓ વ્યસની છે. જ્યારે ૬,૮૮૦ વિદ્યાર્થીઓ તમાકુના વ્યસની છે.

૩૧ મેના રોજ વર્લ્ડ ટોબેકો ડેના ભાગરૂપે લોકોમાં જાગૃતિ લાવવા માટે શહેર પોલીસ, કોર્પોરેશન-ડેન્ટલ કોલેજ ભાડજ દ્વારા એક વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્થાનિક અખબારી સરવે અનુસાર ૧૪ ટકા વિદ્યાર્થીનીઓને તમાકુ અને તેના ઉત્પાદનોનું સેવન કરવાની આદત છે જેમાં ૪ ટકા વિદ્યાર્થીનીઓ સાયન્સ પ્રવાહની અને ૧૦ ટકા વિદ્યાર્થીનીઓ કોમર્સ અને આર્ટસ પ્રવાહની છે. જેની સામે વિદ્યાર્થીઓમાં ૨૭ ટકા સાયન્સના અને ૬૩ ટકા કોમર્સ અને આર્ટસના વિદ્યાર્થીઓમાં તમાકુ અને તેના ઉત્પાદનનું સેવન થાય છે. કુલ ૮ હજારમાંથી ૯૦ ટકા વિદ્યાર્થીઓમાં તમાકુ અને અન્ય ઉત્પાદનોનું સેવન કરવાની આદત જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે એકમાત્ર સેન્ટ ઝેવિયર્સ કોલેજ ૧૦૦ ટકા ટોબેકો ફ્રી જાહેર થઇ છે.

તમાકુ કે તેને સબંધિત વસ્તુઓનું સેવન કરવાથી ભૂખ લાગતી નથી અને વેઇટ લોસ થતું હોવાની માન્યતાથી છોકરીઓ આ આદત તરફ વળી હોવાનું તારણ નિંકળ્યુ છે.

યુવા વર્ગમાં તમાકુનું વ્યસન ઘટાડવા હવે શહેરના પોલીસ વિભાગે ૩૧મી મેના દિવસે ટોબેકો ડે નિમિતે જનજાગૃતિ અભિયાન આદરવાનું નક્કી કર્યુ છે. શહેરની એક ડેન્ટલ કોલેજ દ્વારા એક સર્વે છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને તમાકુમાં અવેરનેસ, બિહેવીયર,કન્ટ્રોલ અને નોલેજ અંગે સર્વે કરાયો હતો. કોલેજ કેન્ટીન અને કેમ્પસોમાં જ બિન્ધાસ્ત યુવતીઓ સીગારેટના કસ મારતી મળી ગઇ હતી તેમા પણ ગુજરાતી મીડીયમના વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીનીઓમાં ૪૪ ટકા વિદ્યાર્થીઓ તમાકુ લેતા થયા છે. જેમાં સાયન્સની ૪ ટકા વિદ્યાર્થીનીઓ અને કોમર્સ-આર્ટસની ૧૦ ટકા વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે.

જ્યારે યુવાનોમાં સાયન્સના ૨૭ ટકા અને કોમર્સ-આર્ટસના ૬૩ ટકા વિદ્યાર્થીઓ તમાકુના રવાડે ચઢ્યા છે. જોકે યુવતીઓના કહેવા પ્રમાણે ઝીરો ફીગરની લાયમાં તમાકુના રવાડે ચઢી છે અને યુવકો ઇમ્પ્રેસ કરવા માટે સ્મોક અને તમાકુના રવાડે ચઢે છે.તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ હેઠળ જાહેરમાં તમાકુનુ સેવન કરવા પર પ્રતિબંધ છે તેવામાં શહેર પોલીસ દ્વારા જાન્યુઆરીથી એપ્રીલ ૨૦૧૮ સુધીમાં ૧૮૦૧૭ કેસો કરવામાં આવ્યા છે. ૧૮૦૧૭ વ્યકિતઓ પાસેથી શહેર પોલીસે ૧૦૦૩૪૫૦ જેટલો દંડ વસુલ્યો છે.(૭.૮)

(11:55 am IST)