ગુજરાત
News of Wednesday, 23rd May 2018

હાર્દિકની મહાપંચાયતને 'બ્રેક': પોલીસે અભિપ્રાય ન આપતા મંજુરી અટકી

શનિવારે ધ્રાંગધ્રાના માલવણમાં યોજાનારી મહાપંચાયતે ભાજપમાં મોટી પંચાત સર્જી ? આદેશનો ભંગ કરી કોઈ ધારાસભ્ય ભાગ લેવા જશે તો નહિં ને ? ગુપ્તચર તંત્ર પણ દોડતુ થયું : ગણત્રીના દિવસો બાકી છે ત્યારે હજુ સુધી તંત્ર દ્વારા લીલી ઝંડી ન મળતા હવે શું થશે ? સર્વત્ર એક જ સવાલઃ મંજુરી વગર પણ કાર્યક્રમ માટે હાર્દિક મક્કમઃ જો કે લોકોની સુવિધા માટે પોલીસ બંદોબસ્ત રહેશે

રાજકોટ, તા. ૨૩ :. વર્ષોથી ભાજપનો ગઢ રહેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈની થોકબંધ સભાઓ રાષ્ટ્રીય પ્રમુખનું પરફેકટ બુથ મેનેજમેન્ટ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સૌરાષ્ટ્રની પ્રજાના હૈયે વસેલ પાણી પ્રશ્ન માટે સૌની યોજના સહિતના તમામ પ્રોજેકટો છતા ભારતીય જનતા પક્ષ ૧૫૦ સીટના લક્ષ્યાંકને પાર તો ન કરી શકયો પરંતુ મહામુસીબતે જીત મેળવી, ભાજપની આ વિજયયાત્રાનો રથ રોકવામાં અન્ય પરિબળો સાથે સૌથી મહત્વની ભૂમિકા હાર્દિક પટેલ અને પાસ દ્વારા શરૂ થયેલ પાટીદાર આંદોલન રહ્યુ તેનો કોઈ ઈન્કાર થઈ શકે તેમ નથી.

આગામી વર્ષે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ માટે ભાજપે અત્યારથી જ તમામ તૈયારીઓ શરૂ કરી છે ત્યારે પાટીદારો સહિતની અન્ય જ્ઞાતિઓને અનામતનો લાભ આપવા તથા ખેડૂતોના પ્રશ્નો તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને મુંઝવતી સમસ્યાઓને વાચા આપવા હાર્દિક દ્વારા શનિવાર તા. ૨૬મીએ ધ્રાંગધ્રાના માલવણ ગામે પાટીદાર ન્યાય મહાપંચાયતનું આયોજન થતા જ ભારતીય જનતા પક્ષમાં દોડધામ મચી ગઈ છે. બીજી તરફ આ મહાપંચાયત માટે પોલીસ દ્વારા મામલતદાર કે કલેકટર તંત્રને અભિપ્રાય ન આપતા મંજુરીને બ્રેક લાગી છે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે.

વહીવટી તંત્રના સૂત્રોના કથન મુજબ ગ્રામ્ય કક્ષાએ આવા કાર્યક્રમો માટેની મંજુરી સૌ પ્રથમ અરજી પ્રાંત અધિકારી પાસે જતી હોય છે અને આગળની કાર્યવાહી માટે મામલતદારને કે કલેકટરને આવી અરજી મોકલતા અગાઉ સંબંધક જિલ્લાના પોલીસ સત્તાવાળાઓ પાસે આવી બેઠક માટે અભિપ્રાય માગવાની પ્રથા છે. પોલીસનો અભિપ્રાય ન મળે તો મંજુરી સામાન્ય રીતે મળતી નથી. જો કે લડાયક સ્વભાવના હાર્દિકે ભૂતકાળમાં પણ મંજુરીની પરવાહ કર્યા વગર આવી બેઠકો યોજી છે.

સૂત્રોમાંથી સાંપડતા વિશેષ નિર્દેશ મુજબ આવા કાર્યક્રમને મંજુરી ન મળે તો પણ મોટી સંખ્યાને કારણે લોકોને વાહન વ્યવહારમાં કોઈ તકલીફ ન સર્જાય કે બીજી રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન ખોરવાઈ તે માટે પોેલીસનો પુરતો બંદોબસ્ત ફાળવાતો હોય છે. આ કિસ્સામાં પણ પોલીસ બંદોબસ્ત મળે તેવી પુરી સંભાવના છે.

અત્રે યાદ રહે કે, હાર્દિક દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પરેશભાઈ ધાનાણીને પત્ર પાઠવી તેઓ ખેડૂ સમાજના હોય આ મહાપંચાયતમાં હાજર રહેવા આમંત્રણ આપવા સાથે આવા કાર્યક્રમમાં હાજર ન રહે તેવો સમાજ વિરોધી હોવાનું માની લેવામાં આવશે તેવી સ્પષ્ટ ચીમકી આપી છે. આવા આમંત્રણો બન્ને પક્ષના પાટીદાર ધારાસભ્યોને અપાયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખે હાર્દિકને કોંગ્રેસનો હાથો ગણાવ્યો છે અને સમાજમાં બીજા ઘણા પાટીદાર નેતા હોવાનું જણાવી ભાજપના ધારાસભ્યો હાજર ન રહે તેવો આડકતરો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પરેશ ધાનાણીએ પોતાના ધારાસભ્યો આ મહાપંચાયતમાં ભાગ લેવા ઈચ્છતા હોય તો તે માટે તેઓને છૂટ આપી છે. જો કે તેણે એવી સ્પષ્ટતા કરી છે કે, પોતે ડાંગ વિસ્તારમાં અગાઉથી નિર્ધારીત આદિવાસી સમાજના કાર્યક્રમમાં જવાના હોવાથી હાજર નહી રહે પરંતુ તેમના પ્રતિનિધિ તરીકે અન્ય નેતા ઉપસ્થિત રહેશે.(૨-૧૧)

(11:53 am IST)