ગુજરાત
News of Friday, 23rd April 2021

સોના-ચાંદીના વેપારીઓ ૩ દિવસ સ્વંભૂ બંધ રાખશે

મોટાભાગના વેપારી એસોસિએશન દુકાનો બંધ રાખશે : કોરોનાની ચેનને તોડવા માટે રાજ્યના મોટાભાગના શહેરો અને ગામડાઓમાં સ્વંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે

અમદાવાદ,તા.૨૩ : રાજ્યમાં સતત વધતા જતા કોરોના સંક્રમણના લીધે સ્થિતિ બેકાબૂ બનતી જાય છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો દરરોજ રેકોર્ડ સ્થાપિત થાય છે. કોરોનાની ચેનને તોડવા માટે રાજ્યના મોટાભાગના શહેરો અને ગામડામાં સ્વંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના સોના-ચાંદીના વેપારીઓએ કોરોનાની ચેનને તોડવા માટે આજથી ૩ દિવસ સ્વંભૂ બંધ રાખશે. જ્યારે રિટેલ વેપારીઓ આવતીકાલથી ૨ દિવસ માટે પોતાની દુકાન બંધ રાખશે. આ ઉપરાંત ગાંધી રોડ પર આવેલા કંકોત્રી અને ઇલેક્ટ્રિક બજાર સ્વયંભૂ બંધ પાળ્યો છે. જીસીઆઇ દ્વારા બ્રેક ધ ચેન કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ ઇલેક્ટ્રીકલ મરચન્ટ એન્ડ કોન્ટ્રાક્ટર એશોશીએશન ને ૨૩ થી ૨૫ એપ્રીલ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.

તો આ તરફ ગુજરાત ગારમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનને પણ ત્રણ દિવસ બંધની અપીલ કરી છે. આવતી કાલથી અમદાવાદની ઓળખ સમાન કાપડ ઉદ્યોગ ૨ દિવસ માટે બંધ રાખવામાં આવશે. અમદાવાદમાં ૧૦૦ થી વધુ કાપડ મહાજન અને ૫૦૦૦૦થી વધારે આવેલી કાપડની દુકાનો બંધ રહેશે. શનિ અને રવિ સ્વયંભૂ કાપડ બજાર બંધ રહેશે અને કર્મચારીઓનો પગાર  કાપવામાં નહિ આવે. વેપારીઓ સ્વયંભૂ બજારો બંધ કરી હવે કોરોનાની ચેનને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તરફ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલા મીના બજારમાં ૪ દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

જો ૪ દિવસ બાદ પણ સ્થિતિ નહીં સુધરે તો અચોક્કસ મુદતનુ લોકડાઉન કરવાની ફરજ પડશે. કોરોના સંક્રમણના કેસ વધતાં વેપારીઓ સંક્રમિત થતા લોકડાઉન કરવાની ફરજ પડી છે. મીના બજારમાં ૧૫૨ દુકાનો ૨૦૦થી વધુ પાથરણાવાળાની દુકાનો આવેલા છે.

(10:05 pm IST)