ગુજરાત
News of Friday, 23rd April 2021

રાજ્યમાં ધો.9 અને 11નું 70 ગુણના આધારે પરિણામ તૈયાર કરાશે : પાસ થવા ખૂટતાં ગુણ આચાર્ય કુપાગુણ તરીકે આપશે

ધો. 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ માર્કશીટ માટે ગાઇડલાઇન જાહેર

અમદાવાદ : રાજ્યમાં ધોરણ-3થી 8ના પરિણામ અંગે ગઇકાલે ગુરુવારના રોજ શિક્ષણ વિભાગ દ્વારા ગાઇડલાઇન જાહેર કરાઇ હતી. આજે ધો. 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા માર્કશીટ તૈયાર કરવા માટેની ગાઈડલાઈન જાહેર કરાઇ છે. જેમાં ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓની 50 ગુણની પ્રથમ કસોટી અને 20 ગુણ આંતરીક મુલ્યાકનના મળી કુલ 70 ગુણના આધારે પરિણામ તૈયાર કરાશે. પરીક્ષામાં પાસ થવા માટે ખુટતા માર્ક સિધ્ધી ગુણ અને કૃપા ગુણ આપી પુર્ણ કરાશે. આચાર્ય મહત્તમ 10 કૃપા ગુણ આપી શકે તે જોગવાઈ આ વર્ષ પુરતી રદ કરાઈ છે. જેથી વિદ્યાર્થીને પાસ થવા માટે જેટલા ગુણ ખુટતા હશે તેટલા ગુણ આચાર્ય કૃપા ગુણ તરીકે આપી શકશે.

રાજયના ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવા માટેની બાબતો નક્કી કરી છે. જેમાં શાળાઓ દ્વારા પ્રથમ પરીક્ષા યોજાયેલી હતી. જો કે દ્વીતીય અને વાર્ષિક પરીક્ષા યોજાઈ નથી. જેથી ધોરણ-9 અને 11 સાયન્સના આંતરીક મુલ્યાંકન માટે સામયીક કસોટીના 10 ગુણ, નોટબુક સબમીશનના 5 ગુણ, સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટીવિટીના 5 ગુણ એમ કુલ 20 ગુણ માટે સુચનાઓ આપવામાં આવેલી છે તે મુજબ શાળાઓ દ્વારા આંતરિક મુલ્યાંકનનું ગુણાંકન કરવાનું રહેશે. ધોરણ-11 સામાન્ય પ્રવાહ માટે ટર્મ પેપર-સ્વાધ્યાયના 10 ગુણ, પુસ્તકાલયમાંથી ઉપયોગી પુસ્તકનું અવલોકનના 5 ગુણ અને પ્રોજેક્ટસના 5 ગુણ મળી 20 ગુણનું ગુણાંકન કરવાનું રહેશે.

આમ, પરિણામ તૈયાર કરવા માટે પ્રથમ પરીક્ષાના 50 ગુણ અને આંતરીક મુલ્યાંકનના 20 ગુણ એમ કુલ 70 ગુણની પરીક્ષાઓ યોજાયેલી છે. આ 70 ગુણમાંથી મેળવેલા ગુણને 100 ગુણમાં રૂપાંતરીત કરીને પરિણામ તૈયાર કરવાનું રહેશે. જેથી જે વિદ્યાર્થીને રૂપાંતરીત થયા બાદ વિષયમાં 33 કરતા વધુ ગુણ આવે તો તેને પાસ જાહેર કરવામાં આવશે. પરંતુ 33 કરતા ઓછા ગુણ હોય તો દરેક ટકા દીઠ 1 ગુણ એમ વધુમાં વધુ 15 ગુણની મર્યાદામાં રહીને પાસ થવા માટે ખુટતા ગુણ આપી શકાશે. આવો લાભ એક કે વધુ વિષયમાં આપી શકાશે. માર્કશીટમાં તે વત્તા કરી અલગથી દર્શાવવાના રહેશે. આમ, સિધ્ધી ગુણ મેળવનાર વિદ્યાર્થી રેન્કને પાત્ર રહેશે પરંતુ તે કુલ ગુણમાં ગણતરીમાં લેવાશે નહીં.

સિધ્ધી ગુણ પછી પણ વિદ્યાર્થી પાસ થતો ન હોય તો તેવા વિદ્યાર્થીને ઉપલા ધોરણમાં બઢતી માટે ખુટતા જરૂરી કૃપા ગુણ શાળાના આચાર્ય વિદ્યાર્થીને આપી શકશે. નિયમ મુજબ આચાર્ય વધુમાં વધુ 10 કૃપા ગુણ આપી શકે. પરંતુ 2020-21 માટે કૃપા ગુણની મર્યાદા રદ કરવામાં આવે છે અને આચાર્ય પાસ થવા માટે ખુટતા હોય તેટલા કૃપા ગુણ તરીકે આપી શકશે. આ કૃપા ગુણ અલગથી દર્શાવવાના રહેશે. જે વિષયોની પરીક્ષા વર્ષમાં એક જ વાર લેવાતી હોય અને આ વખતે લેવાઈ નથી. તે વિષયના આંતરીક 20 ગુણને 100 ગુણમાં રૂપાંતરીક કરી ગ્રેડ દર્શાવવાના રહેશે.

(9:20 pm IST)