ગુજરાત
News of Friday, 23rd April 2021

વલસાડના અતુલ સ્મશાનમાં હૃદય દ્રાવક દ્રશ્યો:એક સાથે 7 ચિતા સળગતી જોવાઈ : રસ્તામાં સતત અનેક વાહનોમાં લાકડા આવતા જોવા મળ્યા હતા.

વહીવટી તંત્ર દ્વારા રાત દિવસ સતત ખડેપગે મૃતદેહોના અગ્નિસંસ્કાર કરાઇ રહ્યા છે

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડમાં કોરોનાની પરિસ્થિતિ ખૂબ વણસી છે. આજે પણ જિલ્લામાં કોરોનાના એક સાથે 107 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ વહીવટીતંત્રે 4 મોત દર્શાવ્યા છે. જોકે, બીજી તરફ પરિસ્થિતિ કંઇ જુદી જ જોવા મળી છે. અકિલાની ટીમે આજરોજ અતુલ સ્મશાનની મુલાકાત લઇ ત્યાંની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કોઇનું પણ હ્રદય દ્રવી ઉઠે એવી પરિસ્થિતિ ત્યાં જોવા મળી હતી. તેમ છતાં વહીવટી તંત્ર અને અનેક સેવાભાવી લોકો ત્યાં સતત સેવા આપી રહ્યા છે.
અતુલના સ્મશાનમાં આજરોજ એક સાથે 7 ચિતા સળગતી જોવા મળી હતી. અહીં રસ્તામાં સતત અનેક વાહનોમાં લાકડા આવતા જોવા મળ્યા હતા. તેમજ અહીં અનેક સેવાભાવી લોકો પણ સેવા માટે આવતા જોવા મળ્યા હતા. ખુલ્લી જમીનમાં બનેલા આ સ્મશાનમાં આવતા ડાઘુઓ માટે કેટલાક સેવાભાવી સંસ્થાઓએ મંડપ બનાવી આપ્યો હતો. તો કેટલાકે અહીં ખુરશીઓ મુકાવી આપી હતી. અગ્નિ સંસ્કાર માટે અનેક લોકો અહીં લાકડા પણ આપી રહ્યા છે. જેના થકી રોજબરોજ અહીં 16 થી વધુ મૃતદેહોનો અગ્નિસંસ્કાર થઇ રહ્યા છે.આખા સ્મશાનનું સંચાલન વલસાડ મામલતદાર મનસુખભાઇ વસાવા દ્વારા થઇ રહ્યું છે. તેમજ અહીં અનેક સેવાભાવી સંસ્થાઓ અને હરિયા ગામના મહિલા સરપંચ પૂર્વીબેન રાઠોડ સહિતના અનેક લોકો સેવા આપી રહ્યા છે. પૂર્વીબેન એક માત્ર અહીં મહિલા છે જેઓ ખડે પગે સેવા આપતા જોવા મળી રહ્યા છે. આ સ્મશાનની સ્થિતિ એવી છે કે, અહીં ભલભલાનું કાળજુ કંપાવી દેનારુ છે. ત્યારે લોકોએ ચેતવાની જરૂર છે.

(7:58 pm IST)