ગુજરાત
News of Friday, 23rd April 2021

વડોદરામાં ઇન્ટર્ન નેહલ રાઠવાનું કોરોના સંક્રમિત બાદ મોત થતા અન્ય વિદ્યાર્થીઓમાં હોબાળોઃ સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને જવાબદાર ઠેરવીને કાર્યવાહીની માંગ

વડોદરા: વડોદરાના ગોત્રી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતી 22 વર્ષની ઇન્ટર્ન નેહલ રાઠવા પોતે કોરોનાથી સંક્રમિત થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજતાં અન્ય વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ નેહલ રાઠવાની મોત મામલે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ને જવાબદાર ઠેરવી કાર્યવાહીની માંગ કરી છે.

વડોદરામાં કોરોના કેસ વધતાં નર્સિંગ સ્ટાફની અછત સર્જાઈ રહી છે, ત્યારે સયાજી હોસ્પિટલનું તંત્ર મેડિકલ કોલેજમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોરોના વોર્ડમાં ફરજ સોંપી રહ્યું છે. આવી જ રીતે ફિઝિયોથેરાપી વિભાગની વિદ્યાર્થિની અને નિવાસી તબીબ નેહલ રાઠવાને પણ તંત્રએ ગોત્રી હોસ્પિટલના કોરોના વોર્ડમાં જવાબદારી સોંપી હતી.

નેહલ રાઠવાએ તેની તબિયત સારી નથી જેથી તેને કોરોના વોર્ડમાં ફરજ ન સોંપવા માટે રજૂઆત કરી હતી, પણ હોસ્પિટલના સત્તાધીશોએ તેને સસ્પેન્ડ કરવાની તેમજ ડિગ્રી અટકાવી દેવાની ધમકી આપી ફરજિયાત ફરજ પર હાજર થવા આદેશ કર્યો હતો. જેથી નેહલ રાઠવા ફરજ પર જોડાઈ પણ કોરોના દર્દીઓની સારવાર કરતાં તે પોતે કોરોના સંક્રમિત થઈ હતી અને તેની હાલત એટલે ખરાબ થઈ કે તેનું કોરોનાથી અવસાન થયું.

જેથી નેહલને ન્યાય અપાવવા ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ઓફિસ પર ધસી આવ્યા હતા. જ્યાં વિદ્યાર્થિનીઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટની હાય હાય ના નારા લગાવ્યા હતા સાથે જ નેહલ રાઠવાને ન્યાય આપો ન્યાય આપો ના નારા લગાવ્યા હતા.

સયાજી હોસ્પિટલના સુપ્રિટેનડેન્ટ રંજન ઐયરની ઑફિસ બહાર વિદ્યાર્થિનીઓએ ભારે હંગામો કરી સુપ્રિટેનડેન્ટને મળવાની માંગ કરી હતી. વિદ્યાર્થીનીઓ નો આરોપ છે કે બળજબરી થી તેમને કોરોના વોર્ડમાં ફરજ સોંપાઈ છે. જે વિદ્યાર્થી ના પાડે છે તેમને સસ્પેન્ડ કરવાની અને ડિગ્રી અટકાવી દેવાની ધમકી આપે છે.

અત્યાર સુધી અનેક વિદ્યાર્થીઓને નોટિસ પણ આપી છે. જેથી વિદ્યાર્થીઓ ભારે તણાવમાં છે. ફિઝિયોથેરાપીના વિદ્યાર્થિનીઓએ આરોપ એ પણ લગાવ્યો કે અમને કોઈપણ પ્રકારનું ઈન્સેન્ટિવ આપ્યા વગર મોતના મુખમાં તંત્ર ધકેલી રહ્યું છે. ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને કોરોના વોરિયર્સ પણ નથી ગણતા અને તંત્ર અન્યાય કરી રહ્યુ છે.

(4:46 pm IST)