ગુજરાત
News of Friday, 23rd April 2021

સુરત મ્યુ. કોર્પો. દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ માં ૪૨૦ બેડની વ્યવસ્થા માટે તડામાર તૈયારી

હોસ્પિટલ ના ચોથા માળે ૫૦ ICU બેડ પણ તૈયાર કરાયા એન.એમ.સી ની ગાઈડલાઈન મુજબ કોરોનાની સારવાર સંલગ્ન વ્યવસ્થા ઝડપભેર ઉભી કરવામાં આવી રહી છે

સુરતઃ કોરોના કહેર વચ્ચે રાજય સરકાર તથા મહાનગરપાલિકાના સંયુકત પ્રયાસોથી કોરોના દર્દીઓ માટે આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે ઝડપથી ઓકિસજન બેડ, આઈ.સી.યુ., વેન્ટીલેટર સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા હસ્તકની સ્મિમેર હોસ્પિટલમાં અઠવાડિયાના ટુંકાગાળામાં નેશનલ મેડિકલ કાઉન્સીલ (NMC)ની ગાઈડલાઈન અનુસાર 420 જેટલા બેડની સ્થાયી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

મહાનગરપાલિકાના હાઉસીંગ વિભાગના ડેપ્યુટી ઈજનેર મેધાવી દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાં મલ્ટીલેવલ પાર્કિગ ખાતે કોવિડ હોસ્પિટલમાં હાલ કોરોનાની સારવાર માટે 640 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નેશનલ મેડીકલ કાઉન્સીલની ગાઈડલાઈન અનુસાર માત્ર અઠવાડિયામાં ગ્રાઉન્ડ ફલોર પર 140, પહેલા માળે 140, બીજા માળે 140 મળી કુલ 420 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, સ્મિમેર મેડીકલ કોલેજમાં હાલમાં 200 મેડીકલ સીટો ઉપલબ્ધ છે. ભવિષ્યમાં 250 સીટો થાય તો તે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રકચર અત્યારથી જ ઉભુ કરવામાં આવ્યું છે. હાલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવશે. પણ ભવિષ્યમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના વોર્ડ માટે પણ ઉપયોગ કરી શકાશે.

મેધાવી દેસાઈએ વધુમાં કહ્યું કે, ચોથા માળે 50 આઈ.સી.યુ.બેડની વ્યવસ્થા યુધ્ધના ધોરણે હાઉસીગ વિભાગના સ્ટાફ દ્વારા સંસાધનોની મર્યાદા વચ્ચે ‘વ્યથા નહી વ્યવસ્થા’નો અભિગમ અપનાવીને દિવસ-રાતની મહેનતના પરિણામે ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

(8:58 pm IST)