ગુજરાત
News of Tuesday, 23rd April 2019

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીની મંગલ ઉપસ્થિતિમાં SGVP ગુરૂકુલ - સવાનાહ, અમેરીકા ખાતે તૈયાર થયેલા શ્રીસ્વામિનારાયણ સનાતન મંદિરમાં ધામધૂમથી ઉજવાયો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

SGVP ગુરૂકુલ - સવાનાહની પવિત્ર ભૂમિમાં હિંદુ ધર્મની તમામ ધારાઓનો સમન્વય કરીને સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીએ શ્રીસ્વામિનારાયણ સનાતન મંદિરની સ્થાપના કરીને સૌના હૃદયમાં અનેરૃં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સનાતન મંદિરમાં હિંદુધર્મની તમામ ધારાઓનો સમન્વય કરતાં દેવોના વિવિધ સ્વરૂપોની અઢાર મૂર્તિઓ પધરાવવામાં આવી હતી. જેમાં મધ્ય સિંહાસનમાં ભગવાન શ્રીસ્વામિનારાયણ, શ્રીલક્ષ્મીનારાયણ દેવ તથા શ્રીરાધાકૃષ્ણદેવની સાથે શ્રીસીતારામજી, શ્રીતિરૂપતિ બાલાજી, શ્રીનાથજી, શ્રીશિવપાર્વતી, શ્રીઅંબામા તથા ઉમિયા મા, શ્રીગણપતિજી, શ્રીહનુમાનજી, શ્રીસૂર્યનારાયણ, ભક્તરાજ શ્રીભોજલરામ તથા શ્રીજલારામબાપાની અત્યંત સ્વરૂપવાન પ્રતિમાઓ બિરાજીત કરવામાં આવી.

મૂર્તિ પ્રતિષ્ઠા વિધીના અંગરૂપે ત્રિદિનાત્મક ૨૫કુંડી શ્રીમહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવેલું. SGVP ગુરૂકુલ, અમદાવાદથી આવેલા વિદ્વાન વિપ્રોએ વેદ વિધાન અનુસાર ભગવદ્ પૂજન તથા મહાવિષ્ણુયાગ કરાવ્યા હતા. મૂર્તિ પ્રતિષ્ઠાના અંગ

સ્વરૂપે દેવોનો જલાધિવાસ, સ્નપનવિધિ, ધાન્યાધિવાસ, શય્યાધિવાસ, મંદિર પ્રવેશ થયા હતા. આ પ્રસંગે વૈદિક મંત્રોના ગાન

સાથે થયેલા પૂજન અર્ચનના દર્શન સૌના હૈયાને આધ્યાત્મિક સ્પંદનોથી ભરી દેતા હતા. હનુમાન જયંતિના પવિત્ર દિને આ પ્રતિષ્ઠા

વિધી સંપન્ન થયો. મંદિરની વિશાળતા, કલાત્મક સિંહાસનો અને સિંહાસનમાં બિરાજેલા દેવોના અલૌકિક દર્શનથી સૌના હૈયામાં ભક્તિભાવની

સરીતાઓ પ્રગટી હતી. મંદિરમાં બિરાજીત દેવોને પવિત્રપણે બનાવેલી ભારતીય વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

મહોત્સવના ચતુર્થ દિવસના મંગલ પ્રભાતે મંદિરમાં બિરાજીત થયેલા દેવોનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચારેય વેદોના ગાન તથા પુરાણો અને ઉપનિષદોના ગાન દ્વારા પ્રભુનું સ્તવન કરવામાં આવ્યું. શાસ્ત્રીય વિષયોને આધારે પ્રવચનો થયા. ભગવાનની સેવામાં સંગીત તેમજ નૃત્ય અર્પણ થયા. અમેરીકાના વિવિધ પ્રાંતોમાંથી પધારેલા ભક્તજનોએ ભગવાનને છડી, છત્ર, ચામર, નૈવૈદ્ય, વસ્ત્રાલંકાર, સુવર્ણપુષ્પ વગેરે અર્પણ કરીને લાહવો લીધો હતો.

રાજોપચાર પૂજનના સમયે પૂજાવિધીના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક તથ્યોને સ્વામીશ્રીએ ખૂબ જ અદ્ભૂત રીતે સૌને સમજાવ્યા હતા. મહોત્સવના અધ્યક્ષ સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીએ પાંચ દિવસ દરમિયાન પંચદેવોની કથાનું શ્રવણ કરાવ્યું. જેમાં ભગવાન શિવ-પાર્વતીના લગ્નની કથા, ભગવાન શ્રીકૃષ્ણની પ્રેરક કથાઓ, ભગવાન શ્રીસીતારામજીની કથા, શ્રીહનુમાનજીની ભક્તિપૂર્ણ સમર્પણની કથા તથા ભગવાન શ્રીસ્વામિનારાયણના પ્રાગટ્ય હેતુની કથાઓનો સમાવેશ કર્યો હતો. કથાનું શ્રવણ કરીને મોટી સંખ્યામાં પધારેલા ભક્તજનો ખૂબ જ પ્રસન્ન થયા હતા.

આ પ્રસંગે પધારેલા સ્વામી શ્રીબાલકૃષ્ણદાસજીએ પોતાના હૃદયનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'સવાનાહમા  બિરાજીત દેવો સૌના મનોરથ પૂર્ણ કરશે. ભારતના મુખ્ય તીર્થોમાં બિરાજીત તમામ દેવોના સુંદર સ્વરૂપો અહીં બિરાજીત થયા છે, માટે અમેરીકાના ભક્તજનોને સવાનાહના આ મંદિરમાં દર્શન કરવાથી સમસ્ત ભારતની તીર્થયાત્રાના દર્શનનું ફળ પ્રાપ્ત થશે.' આ મહોત્સવમાં સુપ્રસિદ્ધ ન્યુરોલોજીસ્ટ તેમજ ગુરૂકુલના ટ્રસ્ટી ડૉ. વિજયભાઈ ધડુક, વડતાલધામ ઈસસવના પ્રમુખ

શ્રીઅર્જુનભાઈ માલવિયા, શીશલ્સથી પધારેલા શ્રીવિશ્રામભાઈ વરસાણી(વિજય કન્સ્ટ્રક્શન), કેનેડાથી શ્રીરવિભાઈ ત્રિવેદી, લંડનથી પધારેલા શ્રીવેલજીભાઈ વેકરીયા, સવાનાહના અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને અમેરીકન મિ. જીમ્મી વગેરેએ પોતાના હૃદયનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ટાનઝાનીયા સ્વામિનારાયણ સત્સંગ મંડળના ઉપપ્રમુખ શ્રીલાલજીભાઈ તથા લંડનથી શશીભાઈ વેકરીયા(વાસક્રોફ્ટ), ગોવિંદભાઈ કેરાઈ તથા રવજીભાઈ હિરાણી, ગુણવંત હાલાઈ વગેરે ભક્તજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતથી ડૉ. અશોક જાગાણી, ડૉ. સંજય પટોળીયા તથા ધીરૂભાઈ સાવલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમેરીકાના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આફ્રિકાથી, ઈંગ્લેન્ડથી, ઓસ્ટ્રેલિયા અને ભારતથી પણ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્ણાહુતિના સમયે રાત્રી દિવસ જહેમત ઉઠાવીને તન, મન, ધનથી સેવા કરીને મહોત્સવને શોભાવનારા ભાઈ-બહેનોને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સદ્ગુરૂ સંતોએ મંગલ આશીર્વાદ પાઠવ્યા હતા.

ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા શ્રીસ્વામિનારાયણ સનાતન મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલા સેંકડો ભક્તજનોએ હૈયામાં દિવ્ય અનૂભુતિઓને ધારણ કરીને દિવ્યાનંદ સાથે વિદાય લીધી હતી.

(4:19 pm IST)