ગુજરાત
News of Monday, 23rd April 2018

વડોદરાના આઇટી ઓફિસરનું હિચકારું કૃત્ય : પ્રેમમાં આડખીલીરૂપ પત્નીની હત્યા કરીને લાશ દાટી દીધી

કોઈને શંકા ન જાય તે માટે પતિએ જ રાજસ્થાન પોલીસમાં પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંઘાવી હતી

વડોદરા: શહેરના આઇટી ઓફિસરે હિચકારું કૃત્ય કરતા તેની પત્નીની હત્યા કરી મૃતદેહને ઘરના કમ્પાઉન્ડમાં દાટી દીધી હોવાનું ખુલ્યું છે આ મામલે પતિના આડા સબંધ હોવાની પત્નીને જાણ  થતા પતિએ તેની પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો રાજસ્થાન અને હરણી પોલીસે કર્યો છે, અને આરોપી પતિને ઝડપી પાડ્યો છે. જો કે, કોઈને શંકા ન જાય તે માટે પતિએ જ રાજસ્થાન પોલીસમાં પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંઘાવી હતી. જેમાં તપાસના તાર વડોદરા સુઘી પહોચ્યા, અને એવું ખુલ્યું હતું કે  10 દિવસ પહેલાં પતિએ જ પત્નીની હત્યા કરી છે. 
  આરોપીએ ત્રિશા ડુપ્લેક્ષમાં પત્નીની હત્યા કરીને લાશ ઘરના કમ્પાઉન્ડમાં પાંચથી સાડા પાંચ ફૂટ ઊંડો ખાડો ખોદીને દાટી દીધી હતી. પોલીસે ખાડો ખોદીને મૃતદેહ બહાર કાઢ્યો. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આ સમગ્ર મામલે એફ.એસ.એલ સહીત પોલીસની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
   મળતી માહિતી મુજબ વડોદરામાં આઈટી ઓફિસર તરીકે ફરજ બજાવતા લોકેશ ચૌધરીના લગ્ન જયપુરમાં રહેતી મુનેશ નામની યુવતી સાથે ફેબ્રુઆરી 2015માં થયા હતા. મુનેશ જયપુરમાં રહી બીએડનો અભ્યાસ કરી રહી હતી. જ્યાંથી થોડા દિવસ પહેલા મુનેશને તેના પતિએ વડોદરા બોલાવી હતી. મુનેશ વડોદરા આવી ત્યારથી જ તે ગુમ થઈ હતી. મૃતક મુનેશના માતા પિતાએ રાજસ્થાનના જયપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ મુનેશના પતિએ પણ જયપુર પોલીસને પત્ની ગુમ થયાની માહિતી આપી હતી 
  પોલીસે શરૂઆતમાં મુનેશને શોધવાના પ્રયત્નો કર્યા બાદ તેના પતિ પર જ શંકા જતા જયપુર પોલીસે આરોપી આઈટી ઓફિસરના ફોનની કોલ ડિટેલ્સ કઢાવી જેનાથી સમગ્ર હત્યાનો ભાંડો ફૂટયો. આરોપીએ ગળું દબાવીને પત્નીને મારી નાખી હોવાનું કહેવાય છે.
   ચોંકાવનારી વાત છે કે આરોપી આઈટી ઓફિસરે થોડાક દિવસ પહેલા જ તેના મિત્રને કહી મકાન ભાડે લીધુ હતુ. આ મકાન પૂર્વ આયોજિત કાવતરુ ઘડી તેની પત્નીની હત્યા કરવા માટે જ લીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જયપુર લઈ ગઈ છે. હાલમાં રાજસ્થાન પોલીસે આરોપી આઈટી ઓફિસરની ધરપકડ કરી હત્યામાં મદદગારી કરનાર તેના મિત્રની શોધખોળ હાથ ધરી છે.

 

(11:34 pm IST)