ગુજરાત
News of Thursday, 23rd March 2023

નવી શિક્ષણ નીતિ : નવા સત્રથી શું લાગુ થશે ? વાલીઓમાં મુંઝવણી !!

નવા નિર્ણયો લેતા પૂર્વે વાલીઓને ભાગીદાર બનાવવા અનિવાર્ય :૨૦૨૦ના વર્ષથી નવા નીતિના અમલની તૈયારી પણ હજુ શિક્ષણ વિભાગ દ્વારા સ્‍પષ્‍ટતા નહીં

અમદાવાદ,તા. ૨૩ : રાજયમાં નવી એજ્‍યુકેશન પોલિસી લાગુ કરવાની છેલ્લા અઢી વર્ષથી જાહેરાત થાય છે પરંતુ તેના ટૂકા ગાળાની ઝીરોથી ત્રણ વર્ષ સુધીના જાહેર કરેલા પ્‍લાનનો હજુ સુચારૂં રીતે અમલ થયો નથી. વિદ્યાર્થીઓ-વાલીઓમાં નવી નીતિમાં કઇ બાબતો હશે અને તેને કયારથી કેવી રીતે લાગુ પડાશે. તેને લઇ શિક્ષણ વિભાગ દ્વારા વ્‍યાપક રીતે સ્‍પષ્‍ટતા ન થતા મુંઝવણ પ્રવર્તી રહી છે.

સપ્‍ટેમ્‍બર -૨૦૨૨માં રાજય સરકારે ગુજરાત નવી શિક્ષણ નીતિમાં અમલ કરનાર પ્રથમ રાજય બનશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ નવું શૈક્ષણિક સત્ર જૂનમાં શરૂ થઇ રહ્યું છે. ત્‍યારે નવી નીતિના ભાગરૂપે કઇ બાબતો કયા ધોરણ માટે લાગુ કરાશે તેની જાહેરાત હજુ સુધી કરાઇ નથી. તે પછી ઓકટોબર-૨૦૨૨માં પણ સરકારે ઉચ્‍ચ કક્ષાની બેઠક યોજીને નવી શિક્ષણ નીતિ અંતર્ગત ઝીરોથી ત્રણ વર્ષ સુધીની ટૂંકા ગાળાના પ્‍લાનમાં સંશોધન કે શિક્ષણ ઇન્‍ટેન્‍સિવ યુનિવર્સિટી, એકેડેમિક બેંક ઓફ ક્રેડીટ, મલ્‍ટીલ એન્‍ટ્રી-એકિન્‍ઝટ સિસ્‍ટમ, ઉચ્‍ચ શિક્ષણ સંસ્‍થાનોમાં મલ્‍ટી ડિસીપ્‍લીનરી બાબત અને ક્રેડીટ આધારીત કોર્સની બાબતો સમાવાશે તેમ જાહેર કર્યું હતું. હવે બે અઢી વર્ષની કવાયત પછી શિક્ષણ વિભાગ કે સરકાર આમાંથી કઇ બાબતોનો ૨૦૨૩ના નવા સત્રથી અમલ કરશે તે લઇને વાલીઓ-વિદ્યાર્થી સમક્ષ જઇ શકી નથી. કઇ બાબતો લાગુ કરવાથી કયા ફેરફાર થશે અને તે માટે વિદ્યાર્થીઓએ કેવી રીતે તૈયારી કરવી પડશે તેની જાણકારી પણ હજુ અપાઇ રહી નથી.

શિક્ષણ તંત્ર એવો દાવો કરી રહ્યું છે કે, છ વર્ષથી નાના બાળકો માટે ધોરણ ૧ પૂર્વે બાલાવાટિકા શરૂ કરાશે. આ માટે સામગ્રી પણ તૈયાર કરી દેવાઇ છે પરંતુ તેમાં શું હશે તે પણ જાહેર કરવા અને તેમાં વાલીઓની ભાગીદારી કરવા પણ વાલીઓની માંગણી છે. ગુજરાત યુનિવર્સિટી  દ્વારા તેને સંલગ્ન કોલેજોમાં હવે ચાર વર્ષે ડિગ્રી મળશે તેવી જાહેરાત કરાઇ છે. ત્‍યારે ધો. ૧૨ ની ગણના કેવી રીતે થશે તેની સ્‍પષ્‍ટતા કરાઇ નથી.

(10:26 am IST)