ગુજરાત
News of Thursday, 23rd March 2023

જળ સંરક્ષણ ક્ષેત્રે અમદાવાદ એરપોર્ટનું પ્રશંસનીય કાર્ય : વપરાયેલા પાણીનું રિસાઇકલીંગ કરી ફરી ઉપયોગ

વાર્ષિક ૪૦૦ પરિવારોને પીવાલાયક પાણી મળી રહે એટલા પાણીની બચત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : વિશ્વ જળ દિવસે અમદાવાદના SVPI એરપોર્ટે ૮૫૦૦૦-કિલો લિટર પાણીનું રિસાયક્‍લિંગ પૂર્ણ કર્યુ. સતત વધી રહેલા મુસાફરોના કારણે વિકસીત ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સાથે એરપોર્ટ પર જળસંરક્ષણ માટેના પ્રયાસો મહત્‍વપૂર્ણ અને પ્રેરણારૂપ છે.ᅠ

રાજયના સૌથી મોટા હવાઈમથકો પૈકી એક સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર દરરોજ ૨૫૮ કિલોલીટર ગંદુ પાણી નીકળે છે. એરપોર્ટની અંદર સ્‍થાપિત પ્‍લાન્‍ટમાં ટ્રીટ કરેલાં ગટરના પાણીનો બાગાયતી કામોમાં ઉપયોગ કરવામાં આવે છે. રિસાઈકલ પાણીના ઉપયોગથી બાગાયત માટે તાજા પાણીના વપરાશમાં ઘટાડો થયો છે. વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટની એરપોર્ટ પરિસરમાંથી નીકળતા ૫૦૦ કિલો લિટર ગંદા પાણીને ટ્રીટ કરવાની ક્ષમતા ધરાવે છે. SVPI એરપોર્ટ પર ટ્રીટેડ પાણીનો પુનઃઉપયોગ કરવાથી વાર્ષિક ૪૦૦ પરિવારોની પીવાલાયક પાણીની જરૂરિયાત પૂરી કરી શકાય છે.ᅠ

પાણીના પુનઃઉપયોગ માટે ટ્રીટ કરવા ઉપરાંત એરપોર્ટ વોટર રિચાર્જ ક્ષમતામાં પણ સક્રિયપણે વધારો કરી રહ્યું છે. એરપોર્ટ પર ૪૧ થી વધુ ભૂગર્ભજળ રિચાર્જ પિટ્‍સ બનાવવામાં આવ્‍યા છે, જેમાં રનવેની આસપાસ બનાવેલા સ્‍ટોર્મ વોટર ડ્રેઇન્‍સમાંના કેટલાક ખાડાઓનો પણ સમાવેશ થાય છે. પાણીનો વપરાશ અને લિકેજ ઘટાડવા ૨૦૮ સેન્‍સર-આધારિત પાણીના નળ શૌચાલયોમાં લગાવવામાં આવ્‍યા છે. જેનાથી ૩૦%થી વધુ પાણીનો બચાવ થાય છે.

SVPIA દ્વારા ટ્રીટેડ પાણીનો વાર્ષિક ઉપયોગ નરેન્‍દ્રભાઇ મોદી સ્‍ટેડિયમની ક્રિકેટ પીચને જાળવવા વપરાતા ૨ મહિનાના પાણીની સમકક્ષ છે.ᅠ

SVPIA દ્વારા ટ્રીટેડ ગંદા પાણીના વાર્ષિક ઉપયોગથી ૪૦૦ પરિવારોની વાર્ષિક પીવાલાયક પાણીની જરૂરિયાતો પૂરી કરી શકાય છે.

SVPIA દ્વારા વાર્ષિક રિસાઈકલ કરવામાં આવતું ગંદુ પાણી અમદાવાદના કાંકરિયા તળાવના કુલ જથ્‍થાના ૬ ટકા જેટલું છે.

(10:27 am IST)