ગુજરાત
News of Thursday, 23rd March 2023

આપઘાત રોકવા માટે પૂલ, કેનાલ પર મુકાશે સાઇન બોર્ડ

ગુજરાત પોલીસ વિભાગે બહાર પાડયો સર્કયુલર

અમદાવાદ તા. ૨૩ : છેલ્લા ૪૫ દિવસમાં પાંચમી ઘટના હતી. જ્‍યારે બુધવારે એક ૪૫ વર્ષના પુરૂષે સીટીએમ ક્રોસ રોડ ખાતેના ડબલડેકર ફલાય ઓવર પરથી ઝંપલાવીને પોતાના જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો આવી જ રીતે, એ જ દિવસે અમદાવાદ ફાયર એન્‍ડ ઇમર્જન્‍સી સર્વીસીસ (એએફઇએસ)ની રીવર રેસ્‍કયુ ટીમને સાબરમતી નદીમાં જંપલાવીને પોતાની જીંદગી ટુંકાવનાર એક ૨૫ થી ૩૦ વર્ષના વ્‍યકિતની લાશ મળી આવી. રીવરફ્રન્‍ટ પર થોડા દિવસમાં આ બીજી ઘટના બની છે.

ગુજરાત પોલીસે ૧૮ માર્ચે એક સર્કયુલર બધા પોલીસ કમિશનર અને સુપ્રીન્‍ટેન્‍ડન્‍ટસને મોકલીને તેમને સુરક્ષા સેતુ પ્રોગ્રામ હેઠળ બધી કેનાલો, રીવરફ્રન્‍ટો, શાળાઓ, કોલેજો અને જાહેર જગ્‍યાઓમાં ટોલ ફ્રી નંબર (૧૮૦૦ ૨૩૩ ૩૩૩૦) હેલ્‍પલાઇન સાથેના જીવન આસ્‍થાના સાઇન બોર્ડ મુકવા કહ્યું છે.

નોંધપાત્ર છે કે, છેલ્લા ૮ વર્ષમાં જીવન આસ્‍થા હેલ્‍પલાઇને નર્મદા કેનાલના કિનારેથી ૩૨૨ લોકોને સફળતાપૂર્વક કાઉન્‍સેલીંગ દ્વારા પાછા લાવીને તેમના જીવન બચાવ્‍યા છે. આ ઉપરાંત આ હેલ્‍પલાઇને ૨૧૭ લોકોને ફોલોઅપ કાઉન્‍સેલીંગ માટે સંમત પણ કર્યા છે.

(10:17 am IST)