ગુજરાત
News of Saturday, 23rd March 2019

એક ગર્ભવતી મહિલાની સાથે પોલીસ દ્વારા ખુબ ખરાબ વર્તન

ગંભીર દુઃખાવો ઉપડતાં હોસ્પિટલ ખસેડવી પડી : પતિને મારતી પોલીસને અટકાવવા વચ્ચે પડેલી ગર્ભવતી પત્નીને પોલીસે ધક્કો મારીને પેટમાં લાત મારતાં વિવાદ

અમદાવાદ,તા. ૨૩ : શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર માર્યો હોવાનો આક્ષેપ થતા ચકચાર મચી ગઇ છે. પતિને મારતી પોલીસને અટકાવવા વચ્ચે પડેલી ગર્ભવતી પત્નીને પોલીસે ધક્કો મારી પેટમાં લાત મારતાં બહુ મોટો વિવાદ સર્જાયો છે. બીજીબાજુ, પોલીસની લાતથી ગંભીર દુઃખાવો ઉપડતાં મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે, પોલીસના આવા અમાનવીય અને અત્યંત ઘૃણાસ્પદ વર્તનને લઇ વાડજ પોલીસ પરત્વે ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે. આવા નરાધમ અને નિર્દયી પોલીસ કર્મચારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવા પણ સ્થાનિક લોકોમાં ઉગ્ર માંગણી ઉઠવા પામી છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના          વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા જશોદાબહેન મણિભાઇ પરમારે વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પર પુત્ર અને ગર્ભવતી પુત્રવધૂને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. જશોદાબહેનના આક્ષેપ પ્રમાણે, રામાપીરના ટેકરામાં તે તેના પુત્ર વિજય અને પુત્રવધૂ લીલા સાથે રહે છે. જશોદાબહેનને ત્રણ પુત્રી છે. જેમાં બે પુત્રી પીએસઆઇની તૈયારી કરી રહી છે. જ્યારે એક પુત્રી સીએસનું ભણે છે. ગઇકાલે પડોશમાં રહેતો પ્રકાશ તેમના પુત્ર વિજય પાસે આવ્યો હતો. પ્રકાશે અગાઉ વિજયના પિતરાઇ ભાઇ પર તલવાર વડે હુમલો કર્યો હોવાના કારણે જશોદાબહેને તેની સાથે બોલવાનો ઇન્કાર કર્યો હતો. જશોદાબહેન પ્રકાશના પરિવારને કહેવા માટે ગયા ત્યારે આ મામલે બબાલ થઇ હતી. પ્રકાશના પરિવારજનો તેમજ જશોદાબહેન આમને સામને આવી જતાં મામલો બીચક્યો હતો. પ્રકાશના પરિવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં ગયો હતો જ્યારે જશોદાબેને કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને જશોદાબહેન અને તેના પુત્ર વિજયને પોલીસ સ્ટેશનમાં લાવી હતી જ્યારે ગર્ભવતી લીલા પણ પોલીસ સ્ટેશનમાં આવી પહોંચી હતી. વિજયે ચિક્કાર દારૂ પીધેલો હોવાથી વાડજ પોલીસે તેની અટકાયત કરી હતી અને તેને માર માર્યો હતો. પોલીસ વિજયને મારતી હતી ત્યારે લીલા તેને બચાવવા માટે વચ્ચે પડી હતી. પોલીસ કર્મચારીઓ તેને ધક્કો મારીને પેટમાં લાત મારી હતી. લીલાને ચાર માસનો ગર્ભ હોવાથી તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. જ્યાં જશોદાબહેન તેને તાત્કાલીક હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. બીજીબાજુ, પોલીસના આવા અમાનવીય વર્તનને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને સ્થાનિક રહીશોમાં પોલીસ પરત્વે ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો. સ્થાનિકોએ આવા નફ્ફ્ટ પોલીસ કર્મચારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગણી ઉચ્ચારી હતી. જેને લઇને હવે સમગ્ર મામલો ગરમાયો છે.

 

 

(7:25 pm IST)