ગુજરાત
News of Saturday, 23rd March 2019

ગાંધીનગરમાં હોળીના પર્વમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 12 શકુનિઓની ધરપકડ કરી

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં જુગારની પ્રવૃતિ વધી રહી છે ત્યારે હોળી પર્વમાં પણ જુગારની બાજી માંડીને બેઠેલા જુગારીઓને પકડવા પોલીસે દોડધામ શરૂ કરી હતી જે અંતર્ગત ૪૩૪૯૦ની રોકડ સાથે ઈન્ફોસીટી પોલીસે છ જુગારીઓને ઝડપી પાડયા હતા. જ્યારે ઉવારસદના ખાંટવાસમાંથી પણ અડાલજ પોલીસે ૬૧૮૦ની રોકડ સાથે છ જુગારીઓ ઝડપી લીધા હતા. જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  

ગાંધીનગર શહેર અને જિલ્લામાં આમ તો શ્રાવણ મહિનામાં જુગારીઓ વધુ સક્રિય થતાં હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી જિલ્લામાં જુગારની પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે જુગારની આ બદીને અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ થઈ રહી છે અને હોળી-ધુળેટી પર્વમાં પણ જુગારીઓ સક્રિય થયા હોવાની બાતમીના આધારે ઈન્ફોસીટી પોલીસે રાયસણના ગુડા હોલની બાજુમાં દરોડો પાડી ભાઈજીપુરાના લાલજી ચંદુજી ઠાકોર, રાયસણ પાણીની ટાંકી પાસે રહેતા અનિલ અમૃતભાઈ પટેલ, વાઘેલા વાસમાં રહેતા સંજય પબાજી વાઘેલા, નરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા અને મોટા ઠાકોર વાસમાં રહેતાં રમેશજી શકરાજી ઠાકોર અને પ્રાથમિક શાળા પાછળ રહેતા શનાજી શકરાજી ઠાકોરને જુગાર રમતાં ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી રોકડ રૂા.૪૩૪૯૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

 

(5:48 pm IST)