ગુજરાત
News of Saturday, 23rd March 2019

ગુજરાત પોલીસ તંત્રમાં સ્ટાફ ઓછો અને 'ઢસરડો' જાજો એવુ 'મ્હેણુ' ભાંગે તેવા દિવસો હવે દૂર નથી

સુપ્રીમ કોર્ટના એ નિર્ણયને કારણે પોલીસ તંત્રને નિરાશામાં આશાનું કિરણ દેખાયું

રાજકોટ, તા. ૨૩ :. વસ્તીમાં કુદકે અને ભૂસકે થતા વધારો, ટ્રાફીકની સમસ્યા પરાકાષ્ટાએ પહોંચવા સાથે મહાનુભાવોના બંદોબસ્તની શિરદર્દ જેવી સમસ્યા વચ્ચે ગુન્હાખોરીના ગંજ ખડકાઈ રહ્યા છે. તેવા સમયે અપુરતા પોલીસ સ્ટાફને કારણે પોલીસની શારીરિક અને માનસિક વ્યથામાં થતા વધારા અને ઘણી વખત તો કામના ભારણના કારણે પોલીસ સ્ટાફ દ્વારા જીવન ટૂંકાવવાના બનાવો વચ્ચે એક રાહતના સમાચારથી ગુજરાતના ટોપ ટુ બોટમ પોલીસ અધિકારીઓ અને સ્ટાફમાં આશાનું કિરણ જાગ્યુ છે. સુપ્રીમ કોર્ટે પોલીસ તંત્રની ખાલી જગ્યાઓ ભરવા રાજ્ય સરકારોને સૂચન કરવા સાથે આ માટેના મોનીટરીંગની જવાબદારી હાઈકોર્ટને સુપ્રત કરી છે.

સુપ્રીમ કોર્ટમાં લીવ પીટીશન દ્વારા એક જાગૃત નાગરિક દ્વારા રજૂઆત થઈ હતી કે, પોલીસ તંત્રમાં નિયત કરેલ મહેકમથી ઓછો પોલીસ સ્ટાફ છે પરિણામે પોલીસ તંત્ર માટે ગુન્હાઓ અટકાવવા, તપાસો કરવા તથા દુર્ઘટના સમયે ઝડપથી કામગીરી કરી શકવામાં અવરોધ આવે છે. આમ છતા આવી સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્યોમાં હિંસક આંદોલન સમયે જાનમાલની નુકશાન ન થાય તે માટે નિયંત્રણ રાખવા માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે.

પોલીસ તંત્ર પર અપુરતા સ્ટાફને કારણે કામનું ભારણ વધુ હોવાથી પોલીસ ધારે તો પણ કામગીરીને ન્યાય આપી શકે તેવુ ન હોવાથી પોલીસ તંત્રમાં નિયત થયેલા મહેકમ મુજબની જગ્યાઓ ભરવા માંગણી થઈ હતી. જે સુપ્રીમ કોર્ટે મંજુર રાખી ગુજરાત સહિતના અન્ય રાજ્યોને પણ પોલીસ દળની ખાલી જગ્યાઓ ભરવા સાથે હાઈકોર્ટને તેના પર નિયંત્રણ રાખવા આદેશ કર્યો છે. આ આદેશને પરિણામે ગુજરાતમાં અપુરતા સ્ટાફ અને ગુન્હાખોરી, ટ્રાફીક સમસ્યામાં વધારો અને વીવીઆઈપી પોલીસ બંદોબસ્તમાં વ્યસ્તતામાં ઘટાડો થશે તેવુ આશાનું કિરણ પોલીસ સ્ટાફમાં જાગ્યુ છે.

(3:56 pm IST)