ગુજરાત
News of Saturday, 23rd March 2019

શાસકો માટે સલામત બેઠકો શોધવા IB સહિતની એજન્સીઓ મેદાનમાં

ચૂંટણીની જાહેરાતના છ મહિના અગાઉથી સત્તાધારી પક્ષને ઉપયોગી થાય એવી માહિતી એકત્ર કરવા કવાયત હાથ ધરાઇ

અમદાવાદ તા. ૨૩ : લોકસભાની ચૂંટણીની તૈયારીઓ સાથે સાથે દેશની સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબીની કચેરીઓમાં ધમધમાટ શરૂ થયો છે. ચૂંટણીમાં આંદોલન સાથે જોડાયેલા આગેવાનો, કર્મચારી સંગઠન અગ્રણીઓ, સામાજિક આગેવાનો ઉપર નજર રખાતી હોવાની ચર્ચા છે. સામાજિક, રાજકીય અને આંદોલનકારી નેતાઓની બેઠકો પર નજર રખાય છે સાથે બેઠકોમાં થતી ચર્ચાઓનું વિશ્લેષણ પણ કરાય છે.  કયા પક્ષના, કયા ઉમેદવારનું કયા વિસ્તારમાં પ્રભુત્વ છે તેની રજેરજની માહિતી મેળવવામાં આવી રહી છે.

 

ગુજરાતની વાત કરીએ તો સેન્ટ્રલ અને સ્ટેટ આઈબીએ છેલ્લા છ માસથી ચૂંટણીના માહોલમાં લોકોનો મત જાણવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. રાજયના શહેરી વિસ્તારો અને જુદા જુદા જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષોની હિલચાલ, તેના ઉમેદવારોની હિલચાલ તેમજ લોકમાનસની સ્થિતિનો ચિતાર લેવાનું શરૂ કર્યું છે. ઉમેદવારોની કામગીરીનો રિપોર્ટ ટોચની નેતાગીરી પાસે જતો હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ આંદોલનોને કારણે જે નવા અને કહેવાતા યુવા નેતાઓ ઊભરી આવ્યા છે તેમની હિલચાલની રજેરજની માહિતી આઇબી દ્વારા એકત્ર કરવામાં આવી રહી છે. આ તમામ નેતાઓની સભાઓ, તેઓ કયા કયા વ્યકિતઓ અને રાજકીય પક્ષોના નેતામને મળે છે તેની પર નજર રખાય છે.

વિરોધીઓના નબળા પાસાં શોધવાનું કામ

વિરોધીને પોતાની પાર્ટીમાં બેસાડવા માટે તેના નબળાં પાસા અને મુદ્દા પણ ચૂંટણીઓ પહેલાં રાજકીય પક્ષો દ્વારા શોધવામાં આવે છે. આ મુદ્દા પર રાજરમતથી વિરોધીઓને પોતાના પક્ષમાં બેસવા માટે દબાણ કરવામાં આવે છે. જો વિરોધી દબાવમાં ના આવે તો તેના નબળાં પાસાને જાહેર કરીને વિરોધીને માત આપવામાં આવે છે. આ નબળાં પાસાની માહિતી પણ ગુપ્તચર દળો પાસેથી રાજકીય પક્ષોને મળે છે.

વિરોધીને માત કરવા ત્રીજો ઉમેદવાર શોધવાનું કામ

ગુજરાતની ચૂંટણીઓની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી હરીફ પાર્ટી કોંગ્રેસને અપક્ષ ઉમેદવારો ઊભા રાખીને ભાજપ દ્વારા મ્હાત આપવામાં આવે છે. ભાજપની આ પ્રકારની રણનીતિથી હરીફ પાર્ટી સુપેરે પરિચિત હોવા છતાં પણ કંઈ કરી શકતી નથી. ગુપ્તચર દળ દ્વારા હરીફ પાર્ટીના ઉમેદવારની સામે કયા વ્યકિતને અપક્ષ તરીકે ઊભો રાખવાથી પોતાના ઉમેદવારને નુકસાન ના થાય અને હરીફ પાર્ટીના ઉમેદવારને નુકસાન થાય તેની માહિતી પણ લેવામાં આવે છે. ખાસ કરી પાટીદાર, ક્ષત્રિય, ઠાકોર, કોળી અને મુસ્લિમ સમાજના ઉમેદવાર સામે આ સમાજના અપક્ષને ઊભો રાખવાની ચાલ ચાલવામાં આવે છે.

હરીફ જેવું જ ભળતું નામ ધરાવતા નામના ઉમેદવારોની શોધ

રાજકીય પક્ષો છેલ્લા કેટલીક ચૂંટણીઓમાં વિરોધી પાર્ટીના ઉમેદવારના નામ જેવું ભળતું નામ ધરાવતાં વ્યકિતને શોધીને અપક્ષને ઉમેદવારી કરાવવામાં આવે છે. ખાસ કરીને આ ચાલ ગ્રામ્ય વિસ્તારમાં સફળ થતી હોય છે. જેના કારણે જે તે પાર્ટીના નિશાન પર વોટ આપવાનો પ્રચાર ઉમેદવારો કરતાં હોય છે. ભળતા નામને કારણે મતદાર થાપ ખાય જાય તો જે તે ઉમેદવારને નુકસાન થતું હોય છે. આ કવાયત પણ ગુપ્તચર દળો દ્વારા કરવામાં આવે છે.

(10:00 am IST)