ગુજરાત
News of Saturday, 23rd March 2019

અમિતશાહ ૨૮મીએ ગુજરાતના પ્રવાસે : ભાજપમાં ઉત્સાહ

ટિકિટ મળ્યા બાદ પ્રથમ વખત ગાંધીનગરમાં : ભાજપના તમામ કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં અમિત શાહના આગમન અને સ્વાગતને લઇને ખાસ તૈયારી શરૂ

અમદાવાદ, તા.૨૨ : લોક્સભાની ચુંટણીનુ બ્યુગલ ફુંકાઈ ગયુ છે. હાલ રાજ્ય સહિત સમગ્ર દેશમાં રાજનીતિ ચરણસીમાએ છે. ગુજરાતમાંથી ગાંધીનગર લોકસભાની સીટ પર અમિત શાહનું નામ જાહેર થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતમાં આગળની રાજનીતિના મહામંથન માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી તા.૨૮મી માર્ચ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગાંધીનગર બેઠક પર ઉમેદવાર તરીકે ઘોષિત બાદ અમિત શાહનો ગુજરાતનો આ સૌપ્રથમ પ્રવાસ છે. તો બીજીબાજુ, ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડવાના હોઇ ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં તેમના આગમન અને સ્વાગતને લઇ વિશેષ તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગર લોકસભા સીટ પર અમિત શાહને ટીકીટ આપતા કાર્યકરોમાં જોરદાર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી તા.૨૩મી એપ્રિલના રોજ લોકસભાનુ ઇલેક્શન યોજાનાર છે ત્યારે લાલકૃષ્ણ અડવાણીના સ્થાને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ટીકીટ આપવામાં આવી છે. ત્યારે આમ જનતામાં હર્ષની લાગણી જોવા મળી હતી. રાજનીતિ સાથે જોડાયેલા સુત્રોના મતે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ ૨૮મી માર્ચના રોજ ગુજરાત પ્રવાસે આવશે. ગાંધીનગર સીટ પરથી તેમના નામની મોહર લાગ્યા બાદ તેઓ ગુજરાતમાં પહેલી વખત આવતા હોવાથી તેમનું કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગતની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. અમિત શાહના આગમન સમયે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ અમિત શાહના સ્વાગતમાં કોઇ કચાશ ના રહે તેના માટે અત્યારથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે લોકોએ આશા વ્યક્ત કરી હતી કેા્, આ વર્ષે કોંગ્રેસ દ્વારા મજબુત દાવેદાર ઉતારવામાં આવે નહીં તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જીત પાક્કી છે. બીજીબાજુ, ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો-નેતાઓ દ્વારા આ વખતની લોકસભા ચૂંટણીમાં અમિત શાહને સમગ્ર દેશમાં સૌથી વધુ મતોની લીડથી જીતાડવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો છે.

(7:57 pm IST)