ગુજરાત
News of Friday, 23rd March 2018

વિધાનસભાની સાથે સાથે...

બાકી તમામ જગ્યાઓ ભરવા સરકાર કટિબદ્ધઃ

 અમદાવાદ,તા.૨૩ : ચિખોદરા ખાતે ૬૫૯ લાખના ખર્ચે નવીન આરટીઓ કચેરી બનશે. વાહન વ્યવહાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું છે કે,  આણંદ જિલ્લાના નાગરિકોને આરટીઓની કામગીરી માટે સુગમતા રહે તે માટે ચિખોદરા ખાતે ૬૫ લાખના ખર્ચે નવીન કચેરીનું નિર્માણ કરાશે. જે કામો પ્રગતિ હેઠળ છે અને આગામી જૂન સુધીમાં લોકાર્પણ કરવાનું આયોજન છે. વિધાનસભા ખાતે આણંદ આરટીઓ કચેરીમાં ઓવરલોડ વાહનોના કેસ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું કે, આણંદ આરટીઓ કચેરી દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૬૭ ઓવરલોડ વાહનો સામે કેસ કરીને ૧૦.૧૨ લાખનો દંડ વસુલ કરાયો છે. ઉપરાંત ઓવરલોડ ડાયમેન્શન પેસેન્સજર બસ, ખાનગી વાહનોમાં પેસેન્જર વાહનોમાં પેસેન્જર ભરવા, સીટ બેલ્ટ ન બાંધવા, હેલ્મેટ વગર વાહન ચલાવવા, ડ્રાયવીંગ લાયસન્સ વીના વાહન ચલાવવું જેવા વિવિધ ગુનાઓ સામે ૬૯૮૯ કેસો કરીને ૧૩૧.૦૬ લાખનો દંડ વસુલ કરાયો છે. ઓવરલોડ વાહનો ચેકીંગ કરવાની સત્તા સહાયક મોટર વાહન નિરીક્ષક અને પોલીસ અધિકારીઓને આપવામાં આવી છે. ઓવરલોડ વાહનોના ચેકીંગ માટે ફલાઇંગ સ્કવોર્ડ અને આરટીઓ સ્કવોર્ડ દ્વારા ખાસ ચેકીંગ ઝુંબેશ દ્વારા ક્રોસ ચેકીંગની કામગીરી રાબેતા મુજબ કરવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ભાવનગર અને પંચમહાલ જિલ્લામાં ૫૪૪ જગ્યાઓ ભરાશે

ભાવનગર અને પંચમહાલ જિલ્લામાં પશુઓને યોગ્ય સારવાર, યોગ્ય સમયે મળી રહે તે હેતુથી પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨ની ૧૪૪ અને પશુધન નિરીક્ષકની ૪૦૦ એમ કુલ-૫૪૪ જગ્યાઓ ભરવાની કામગીરી પ્રગતિમાં છે જેની કાર્યવાહી બનતી ત્વરાએ પૂર્ણ કરાશે તેમ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્ય દ્વારા પશુચિકિત્સા અધિકારી અને પશુધન નિરીક્ષકની ખાલી જગ્યાઓ ભરવા અંગેના પ્રશ્નો પ્રત્યુત્તર આપતાં પશુપાલન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું. રાજ્યમંત્રી એ કહ્યું હતું કે, ભાવનગર અને પંચમહાલ જિલ્લામાં પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨ અને પશુધન નિરીક્ષકની કુલ ૭૧ જગ્યાઓ ભરેલી છે જ્યારે બાકીની જગ્યાઓ જલદીથી ભરવામાં આવશે. રાજ્ય સરકારે પશુઓની ચિંતા કરીને ૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનું શરૂ કર્યું છે. પક્ષીઓના રક્ષણ માટે કરૂણા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યમાં પશુચિકિત્સકની હાલની ખાલી જગ્યાઓ પર આજુબાજુના નજીકના પશુચિકિત્સકની સેવાઓનો લાભ લેવામાં આવી રહ્યો છે, જ્યારે બાકી રહેલી જગ્યાઓ બનતી ત્વરાએ ભરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે, તેમ રાજ્યમંત્રીએ ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પૂરક પ્રશ્નો જવાબ આપતાં ઉમેર્યું હતું.

(10:06 pm IST)