ગુજરાત
News of Friday, 23rd March 2018

ચૈત્રી નવરાત્રિ નિમિત્તે રૂપાણી ગોંડલમાં દર્શન માટે પહોંચ્યા

ભુવનેશ્વરી શક્તિપીઠના દર્શન કર્યાઃ સમગ્ર રાજ્યની સુખાકારી માટે મંગલ કામના પણ કરી

અમદાવાદ,તા.૨૩: ચૈત્રી નવરાત્રીના પાવન પર્વમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ જિલ્લાના ગોંડલ સ્થિત ભૂવનેશ્વરી શક્તિપીઠના દર્શન કર્યા હતા. જગતધાત્રી માં ભૂવનેશ્વરીના પૂજનઅર્ચન કરી સમગ્ર રાજ્યની સુખાકારી માટે મુખ્યમંત્રીએ મંગલ કામના કરી હતી. રૂપાણીએ અહીં ભૂવનેશ્વરી ઔષધાશ્રમમાં વિવિધ વિભાગોની મુલાકાત લઈ માહિતી મેળવી હતી. શક્તિ ઉપાસના માટે ચૈત્રી નવરાત્રીનું અનોખુ મહાત્મ્ય છે. ભાવિકો વિવિધ પ્રકારે દેવી ઉપાસના કરી પુણ્યનું ભાથુ બાંધતા હોય છે અને આ નવ દિવસ દરમિયાન શક્તિપીઠના દર્શનનું પણ વિશેષ મહત્વ છે. ત્યારે, મુખ્યમંત્રી વિજય રૂપાણી ગોંડલની ભૂવનેશ્વરી શક્તિપીઠના દર્શન કરી જગતજનની સમક્ષ શીશ ઝૂકાવ્યું હતું. મંદિર અંદરમાં ભૂવનેશ્વરી સમક્ષ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે તેમણે વિશેષ પૂજા પણ કરી હતી. અહીં તેમના હસ્તે નારીશક્તિને સાડીની લાણી પણ આપી હતી. મુખ્યમંત્રીએ એ બાદ સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. અહીં રાખવામાં આવેલી આયુર્વેદના પ્રાચીન ગ્રંથો, ઔષધ નિર્માણની વિવિધ વસ્તુઓ તથા કલાકારીની અન્ય વસ્તુઓ તેમણે નિહાળી હતી. રૂપાણીએ ભૂવનેશ્વરી ઔષધાશ્રમની પણ મુલાકાત લીધી હતી. વિવિધ પ્રકારના રોગ અને શારીરિક ઉપાધીના શમન-નિર્મૂલન માટે પ્રાચીન પરંપરા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી બનાવવામાં આવતી વિવિધ દવાઓનું તેમણે નિરીક્ષણ કર્યું હતું અને જાણકારી પ્રાપ્ત કરી હતી. આચાર્ય ધનશ્યામજી મહારાજે ઔષધિ અંગે માહિતી પૂરી પાડી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધી સ્મૃતિની મુલાકાત લઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ભાવવંદના અર્પણ કરી હતી. ગોંડલમાં રાજવી સર ભગવતસિંહના શાસન દરમિયાન ગાંધીજીએ અહીંની મુલાકાત લીધી હતી અને તેમને મહાત્માનું બિરૂદ અહીં આપવામાં આવ્યું હતું. આ વેળાએ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, રાજકોટના મેયર ડૉ.જૈમનભાઈ ઉપાધ્યાય, કાયદાપંચના સભ્ય અભયભાઈ ભારદ્ધાજ, અગ્રણી રમેશભાઈ ફળદુ, નિતીનભાઈ ભારદ્ધાજ, ચેતનભાઈ રામાણી,  રેન્જ આઈજી ડીએન પટેલ, કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડે, જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદ, જિલ્લા વિકાસ અધિકારી જીટી પંડ્યા, ડાયેટના પ્રાચાર્યા ચેતનાબેન વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(9:58 pm IST)