ગુજરાત
News of Friday, 23rd March 2018

છાપી રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાં અસામાજિક તત્વોએ મુસાફરોને ઢોરમાર મારી આતંક ફેલાવતા અરેરાટી

પાલનપુર:નજીક છાપી રેલવે સ્ટેશન જનરલ કોચમાં  લૂંટની ઘટના સામે આવી છે. આ લૂંટ કેસમાં ત્રણ મુસાફરોને માર મારી કેટલાક અસામાજીક તત્વોએ લૂંટી લીધા હતા અને એક મુસાફરને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો હતો. રેલવે કોચમાં ચાલુ ટ્રેન દરમિયાન બનેલી આ ઘટનાથી ટ્રેનમાં મુસાફરી કરતાં લોકોમાં ભય ફેલાયો હતો. ભોગ બનનાર પીડીત મુસાફરોની જાગૃતિએ રેલવે પોલીસે પાલનપુર નજીકથી લૂંટ ચલાવનાર ચાર ઈસમોને ઝડપી જેલ હવાલે કરે છે અને અન્યોની શોધખોળ હાથ ધરી  છે.
પાલનપુરથી અમદાવાદ જતા રેલવે ટ્રેક પર ટ્રેનમાં  રાજસ્થાન જતા જાલોરના મુસાફરો મુંબઈથી અરાવલ્લી એક્સપ્રેસમાં રાજસ્થાન જવા નીકળ્યા હતા. આ મુસાફરો જનરલ કોચમાં મુસાફરી કરતા હતા તે કોચમાં કેટલાક અસામાજીક તત્વો પણ સવાર હતા. આ લુખ્ખા તત્વોએ બનાવટી તરકટ ઉભું કરી તેમનું પાકીટ ગુમ થયાનું જાહેર કર્યું હતું અને તે બાદ આ જનરલ કોચમાં બેઠેલા મુસાફરોના સામાન બળજબરીપુર્વક ચેક કરવાના બહાને રૂ. ૧૦,૧૨૦ તેમજ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી અને મુસાફરોને ડરાવી, ધમકાવી માર માર્યો હતો. ભોગ બનનાર રાજસ્થાનના ત્રણ મુસાફરોએ ગોવિંદરામ પ્રતાપજી પ્રજાપતિ,( ઉ.વ. ૫૧, રહે. જાલોર), ભગવતસિંહ રૂપસિંહ રાજપુત, (ઉ.વ. ૩૬, રહે. ચાંદરડા, જાલોર) તથા નરસારામ ખીમારામ સરગરા,( ઉ.વ. ૨૩, રહે. મેડાદપુરા, જાલોર)ને  અસામાજીક તત્વોએ લૂંટી માર મારી ધમકાવ્યા હતા.

(6:03 pm IST)