ગુજરાત
News of Friday, 23rd March 2018

ઇડરમાં પોલીસ કર્મીએ રીક્ષા ચાલકને ઢોર માર મારતા હડતાળ યથાવત રહેતા લોકોને હાલાકી

ઇડર:માં પોલીસે રીક્ષા ચાલકોને આડેધડ મેમા ફટકારતાં તથા રીક્ષા ેસોસીએશનના પ્રમુખ સાથે બેહુદુ વર્તન કરતાં, રોષે ભરાયેલા ૩૦૦ જેટલા રીક્ષા ચાલકો પોલીસની આ કનડગતથી ત્રસ્ત થઇ હડતાલ પર ઉતરી ગયા હતા. આ મામલે રીક્ષા ચાલકોએ આજે નાયબ કલેકટરને આવેદનપત્ર આપી દરમિયાનગીરિ કરવા તથા કાયમી રીક્ષા સ્ટેન્ડ ફાળવવા માંગ કરી હતી. શહેરમાં રીક્ષાઓની હડતાલને લઇ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
ઇડર ઓટો રીક્ષા એસોસીએશને આવેદનપત્ર થકી આક્ષેપ કર્યા છે કે, શહેરમાં પોલીસ દ્વારા રીક્ષા ચાલકોને છેલ્લા ઘણા સમયથી અવાર-નવાર હેરાનગતી કરવામાં આવે છે. કાયદા બહાર પણ પોલીસ શહેરમાં ખાલી ઉભી રહેલ રીક્ષાઓને મેમો આપવાની ધમકી આપતી રહે છે. મોટા ભાગના રીક્ષા ચાલકો શિક્ષિત બેરોજગારીથી કંટાળી રીક્ષા ચલાવી માંડ-માંડ પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે તેવામાં પોલીસ કોઇને કોઈ બહાના તળે ખોટી રીતે આર.ટી.ઓ. કે કોર્ટના મેમા બનાવી માનસિક તેમજ આર્થિક રીતે હેરાન-પરેશાન કરતી રહે છે.
દરમિયાન ગત રોજ પણ પોલીસે ચારથી પાંચ રીક્ષા ચાલકોને અડચણના બહાના તળે આર.ટી.ઓ.ના મેમા ફટકારતાં, રીક્ષા ચાલકો ફફડી ઉઠયા હતા. બાદમાં આ મામલો રીક્ષા એસોસીએશન પાસે પહોંચતાં એસોસીએશનના પ્રમુખ વસંતભાઈ પરમાર રજુઆત માટે પોલીસ મથકે ગયા હતા. અહીં પોલીસ અધિકારીએ બેહુદુ વર્તન કરી, વસંતભાઈને જેલમાં પુરવાની વાત કરતાં જ રીક્ષા ચાલકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.

(6:02 pm IST)