ગુજરાત
News of Friday, 23rd March 2018

કઠલાલ પોલીસે પીઠાઇ રોડ પરથી બે પશુને કતલખાને લઇ જતા બચાવ્યા

કઠલાલ:પોલીસે આજે સવારે પીઠાઈ રોડ પરથી ટેમ્પામાં બે પશુઓને કતલખાને લઈને જતા શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક આરોપી ભાગી ગયો હતો. પોલીસે મૂંગા પશુ તથા ટેમ્પો મળી કુલ રૂા. ૧,૬૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કઠલાલ પોલીસને માહિતી મળી હતી કે, પીઠાઈથી પીકઅપ ડાલુ નં. જીજે ૧૮ એડી ૧૬૦માં બે મુંગા પશુઓને કતલખાને લઈને જનાર છે જેથી કઠલાલ પોલીસે આજે સવારે સાડા છ વાગ્યાના સુમારે પીઠાઈ રોડ ઉપર વોચ ગોઠવી હતી. આ દરમ્યાન પીકઅપ ડાલુ આવી પહોંચતા તેને ઊભો રખાવી પોલીસે એક ઈસમની અટક કરી પૂછપરછ કરતા સાજીદખા અબ્બાસખા પઠાણ (રે. પીઠાઈ) હોવાનું જણાવ્યું હતું. ટેમ્પાની તલાસી લેતા ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલા બે બળદો કિંમત રૂા. ૧૦,૦૦૦ના મળી આવ્યા હતાં.
આ ટેમ્પામાં પશુઓ માટે ઘાસચારા કે પાણીની પણ કોઈ વ્યવસ્થા ન હતી. જેથી પોલીસે બે પશુઓ તથા દોઢ લાખનો ટેમ્પો મળી કુલ રૂ. ૧,૬૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પશુઓને કતલખાને લઈ જવામાં સંડોવાયેલ અશરફ ઘોળી (રે. હાથીખાઈ, રખીયાલ, અમદાવાદ)ને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:01 pm IST)