સુરતમાં પરિણીતાને આડા સંબંધ રાખવા માટે બ્લેકમેલ કરનાર નરાધમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
સુરત:ના રાંદેર રોડ ઉપર રહેતી પરિણીતાને તેણીના સમાજનો જ યુવક આડાસંબંધ રાખવા બ્લેકમેલ કરતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિણીતાનો પીછો કરતાં થિયેટરમાં પહોંચી ગયેલા યુવકે તેણીને બાથમાં લઇ કીસ કરી અને એવો ફોટો પાડી લીધો હતો. ત્યારબાદ સતત પીછો કરતાં આ યુવક હેરાન કરવા માંડતાં પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
રાંદેર પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મેરૂલક્ષ્મી મંદિર પાસે રૂપાલીબેન શાહ (નામ બદલ્યું છે) તેમના પરિવાર સાથે રહે છે. રૂપાલીબહેનને સમાજિક પ્રસંગોમાં આવવા જવા દરમિયાન રૂપાલીબહેનનો પરિચય દીપક સાકરવા સાથે થયો હતો. અંકલેશ્વરમાં રહેતા દીપકે રૂપાલીબહેનનો નંબર મેળવી લઇ તેણીને કોલ કરવા માંડયા હતાં. તેણીએ સમાજનાં વ્યક્તિ અને પરિચિત હોવાથી તેના કોલ રિસિવ કરી વાતચીત કરી હતી. આ દરમિયાન દીપક તેણી સાથે આડા સંબંધ રાખવાના ઇરાદે કોલ કરતો હોવાની ભનક આવતાં તેણીએ કોલ રિસિવ કરવાના બંધ કરી દીધા હતાં. ત્યારબાદ દીપક સુરત આવી તેણીનો પીછો કરવા માંડયો હતો.