ગુજરાત
News of Friday, 23rd March 2018

વડોદરામાં શિક્ષણમંત્રીના ફિ નિયમન મુદ્દે નિવેદન બાદ હોબાળોઃ ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા સાથેની વાતચીતની ઓડીયો કલીપ વાયરલ

વડોદરાઃ ગઇકાલે શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ ફી નિયમન મુદ્દે નિવેદન આપતા વડોદરામાં ભારે હોબાળો મચી ગયો છે અને તેની ઓડીયો કલીપ પણ  સોશ્‍યલ મીડીયામાં વાયરલ થતા દેકારો મચી ગયો છે.

વડોદરાના એક વાલી વિનોદ ખુમાણે તો શિક્ષણમંત્રી સાથે નિવેદનને લઈને ફોન પર તડાફડી કરી નાંખી હતી.જેની ઓડીયો ક્લીપ પણ વાયરલ થઈ છે.વાલીએ ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ફોન પર કહ્યું હતું કે આટલુ જલદી શાળાઓ માટે નિવેદન આપવાનુ કારણ શું છે. તેની સામે ભુપેન્દ્રસિંહે ચુડાસમાએ કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટે કહ્યું છે. જેની સામે વિનોદ ખુમાણે શિક્ષણમંત્રીને સંભળાવ્યુ હતુ કે સુપ્રિમ કોર્ટે આજે થોડુ કહ્યું છે.

સુપ્રિમ કોર્ટ તો એપ્રિલે કહેવાની હતી. અને ફી નિર્ધારણ સમિતિ ૨૮ માર્ચે કહેવાની હતી.પણ તમે શાળાઓ માટે નિવેદન આપીને વાલીઓ સાથે દગો કર્યો હોય તેવુ લાગે છે. તમારે ખરેખર તો એક અઠવાડીયુ રાહ જોવાની હતી. એક વાતચીતમાં વિનોદ ખુમાણે કહ્યું હતું કે આખી વાત પુરી થાય તે પહેલા શિક્ષણમંત્રીએ મારો ફોન કાપી નાંખ્યો હતો. હું આગળ શું કહેવા માંગુ છે તે સાંભળવાની દરકાર પણ તેમણે રાખી હતી.

દરમિયાન શિક્ષણમંત્રીના નિવેદનના વિરોધમાં કેટલાક વાલીઓ આવતીકાલે,શુક્રવારે દેખાવો કરે તેવી પણ શક્યતા છે.વાલીઓની લાગણી છે કે સરકાર શાળા સંચાલકોના ખોળામાં બેસી ગઈ હોય તેવી જે શંકા હતી તે નિવેદન બાદ સાચી પડતી હોય તેમ લાગે છે.

(5:48 pm IST)