ગુજરાત
News of Friday, 23rd March 2018

દેશમાં પ્રથમ વખત EVM ટ્રેકીંગ સોફટવેર : મત મશીનનો રેકોર્ડ ઓન લાઇન

કંપનીમાંથી ઇ.વી.એમ. બનીને આવે અને છેલ્લે ભંગારમાં જાય ત્યાં સુધીની માહિતી કોમ્પ્યુટરમાં કેદ થશે :કયુ મત મશીન, વીવીપેટ કયાં વપરાયું અને કયાં પડયું છે તેની માહિતી ચૂંટણી પંચના આંગળીના ટેરવે : ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં નવી પદ્ધતિનો ઉપયોગ

રાજકોટ, તા. ૨૩ :. ભારતમાં ૨૦૧૯માં આવી રહેલ લોકસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્રીય ચૂંટણી પંચ ઈવીએમ ટ્રેકીંગ સોફટવેર લાવવા માગે છે. તે સોફટવેર અમલમાં આવ્યા પછી દેશના તમામ મત મશીનની માહિતી ચૂંટણી પંચને આંગળીના ટેરવે આવી જશે. કંપનીમાંથી ઈવીએમ બનીને બહાર આવે અને સમયાંતરે ઉપયોગ લાયક ન રહ્યા પછી ભંગારમાં જાય ત્યાં સુધીની માહિતી ઓન લાઈન રહેશે. ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાની દિશામાં આ મહત્વનું પગલુ માનવામાં આવે છે.

લોકસભાની ચૂંટણીમાં તમામ રાજ્યોમાં ચૂંટણી પંચ નવા ઈવીએમ (૧૦ લાખ જેટલા) ઉપયોગ કરવા માગે છે. ઈવીએમની સાથે વીવીપેટ લગાવાશે. અત્યારે ઈવીએમ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે ત્યારે તેનો રેકોર્ડ ચૂંટણી પંચમાં રાખવામાં આવે છે. કયુ મત મશીન કયારે બન્યુ, તેનો ઉપયોગ કયાં થયો અને હાલ કયાં છે ? તેની માહિતી અતિ આધુનિક સોફટવેર દ્વારા કોમ્પ્યુટરમાં કેદ થશે. ચૂંટણી પંચના અધિકૃત અધિકારીઓ તે જોઈ શકશે. કોઈ મત મશીન ચકાસણીના તબક્કે અથવા મતદાન વખતે ખામીયુકત જણાયેલ હોય તો તેની માહિતી પણ નોંધાઈ જશે. પ્રત્યેક ઈવીએમનો કેટલી વખત ઉપયોગ થયો? તેની સઘળી માહિતી ઓન લાઈન રહેશે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઉપયોગ માટે જતા ઈવીએમની માહિતી જે તે રાજ્ય ઉપરાંત કેન્દ્રીય ચૂંટણી પંચના રેકોર્ડમાં ઓન લાઈન રહેશે. અત્યારે જેમ ભૌતિક રીતે માહિતી રાખવામાં આવે છે તેની સમાંતર ઓન લાઈન માહિતી રહેશે. આ પદ્ધતિમાં ઈવીએમ અને વીવીપેટ બન્નેને આવરી લેવામાં આવશે. નવી પદ્ધતિ અપગ્રેડ વર્ઝન સાથે આવી રહી છે તે ઈવીએમ ટ્રેકીંગ સિસ્ટમ (ઈટીએસ) તરીકે ઓળખાય છે.

(4:31 pm IST)