સુરતના અડાજણમાં ચેઇન સ્નેચર વિધવા મહિલાના ગળામાંથી સોનાના પેન્ડલ સહીત ચેઇન આંચકી રફુચક્કર
સુરત: શહેરના અડાજણ એલ.પી. સવાણી રોડ પર સોનલ રો હાઉસ પાસે ત્રાટકેલા ચેઇન સ્નેચર વિધવા મહિલાના ગળામાંથી સોનાના પેન્ડલ સહિતની ચેઇન આંચકી મોટરસાઇકલ પુર ઝડપે હંકારીને ભાગી ગયા હતા.
અડાજણ હનીપાર્ક રોડ સ્થિત નાઇન સ્કેવર નજીક એસએમસી કવાટર્સમાં રહેતા અશ્વીનીબેન અનિલ પાડુંરંગ (ઉ.વ. 50 મૂળ રહે. પલસગાવ, તા. માણગાવ, જિ. રાયગઢ, મહારાષ્ટ્ર) ગત બપોરે બહેન સુમન મધુકર મોરે (રહે. સંગમ ટાઉનશીપ, અડાજણ એલ.પી. સવાણી રોડ) સાથે અડાજણ એલ.પી.સવાણી રોડ સ્થિત જલારામ મંદિરની પાછળ ડીજીવીસીએલની ઓફિસે લાઇટ બિલ ભરવા ગયા હતા. લાઇટ બિલ ભરી બંને બેન પગપાળા ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે માસ્ક પહેરેલો એક યુવાન પાછળથી ઘસી આવ્યો હતો અને અશ્વીનીબેનના ગળામાંથી પેન્ડલ સહિતની સોનાની ચેઇન કિંમત રૂા. 15 હજારની આંચકી લઇ નજીકમાં મોટરસાઇકલ લઇ ઉભેલા તેના સાથીદાર સાથે બેસીને ભાગી ગયો હતો.