ગામડાઓમાં ખેતીની મોસમ પુરબહારમાં પંચાયતોના ચૂંટણી પ્રચારમાં ઉગ્યુ વિઘ્ન
ઘઉં, ચણા,જીરૂ, ધાણા વગેરે પાક ખેતરોમાંથી ઉપાડવામાં ખેડૂતો વ્યસ્ત : ઉમેદવારોએ જનસંપર્ક માટે બપોર પછી જ નીકળવું પડે છે
રાજકોટ,તા. ૨૨: ગુજરાતના ૬ મહાનગરોમાં તાલુકા પંચાયતોમાં આવતા રવિવારે મતદાન છે. એક તરફ ચૂંટણી પ્રચારની મોસમ છે. બીજી તરફ ખેતીની મોસમ છે. ગામડાઓમાં ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે બપોર પછી જ જવું છે.
હાલ ઘઉં, ચણા, જીરૂ, ધાણા વગેરે ઉપાડવામાં સમય છે. ગત ચોમાસુ સારૂ થયું હોવાથી આ વખતે શિયાળુ પાક સારો થશે. થોડા દિવસોમાં જ શિયાળુ પાક બજારમાં દેખાવા માંડશે. હાલ ખેડૂતો ખેતીના કાર્યમાં વ્યસ્ત છે. ઉમેદવારો સવારમાં અન્ય કામ પતાવી બપોર પછી) ગામડાઓમાં સંપર્કમા જાય છે. ખેતીના નવા કાયદા, વિકાસ, મોંઘવારી વગેરે મુદ્દા પ્રચારમાં ચાલે છે.
નવા કૃષિ કાયદા અમલમાં આવ્યા પછી ગ્રામીણક્ષેત્રે વ્યાપક જનાદેશનો પ્રથમ અવસર છે. કૃષિ કાયદા ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ, પોલીસ દ્વારા વસુલાતો દંડ વગેરે મુદા વિપક્ષોએ ઉપાડયા છે. ભાજપે વિકાસ અને ખેડૂતો માટેની યોજનાઓના આધારે મત માંગ્યા છે. મહતમ મતદાન કરાવા ભાજપે પેઇઝ સમિતિ યોજના અમલમાં મૂકી છે. ૬ કોર્પોરેશનોનું પરિણામ ચૂંટણી પંચે જાહેર કર્યા મુજબ આવતીકાલે જ જાહેર થઇ જાય તો તેની અસર રવિવારે નગરો અને ગામડાઓના મતદાન પર પડવાની શકયતા નકારાતી નથી.