ગુજરાત
News of Tuesday, 23rd February 2021

છેલ્લી દોઢસો મિનીટમાં ૨૧ ટકા મતદાન કઇ રીતે વધી ગયું: મનિષ દોશી

ચૂંટણી પંચ ટકાવારીના વધારા અંગે સ્પષ્ટતા કરે તેવી કોંગી પ્રવકતાની માંગણી

રાજકોટ, તા.૨૩: રાજયમાં રવિવારે અમદાવાદ સહિત પાંચ મહાનગરમાં યોજાયેલાં મતદાનમાં બપોરે ૩:૩૦ વાગ્યા સુધી સુસ્ત મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ ૨૩.૬૮ ટકા જ થયું હતું અને ત્યારબાદ સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ ૪૩.૧૫ ટકાનું મતદાન નોંધાયું હતું. એટલે કે, અઢી કલાકમાં મતદાનમાં ૨૧ ટકાનો અચાનક ઉછાસો નોંધાયો હોવાનું ચૂંટણી પંચના આંકડા પરથી સાબિત થાય છે, પરંતુ આ વધારો કોંગ્રેસને ગળે ઉતરતો નથી.

મતદાનના દિવસ દરમિયાન અમદાવાદ સહિત પાંચયે મહાનગરમાં કોઇ પણ બૂથમાં લાંબી લાઇનો લાગી હોય કે મતદારોએ મતદાન કરવા ઘસારો કર્યો હોય તેવી સ્થિતિ નહોતી છતાં, બપોર પછીના સમયે મતદાનમાં આટલો મોટો ઉછાળો કઇ રીતે આવ્યો તે અંગે કોંગ્રેસ પ્રવકતા ડો.મનિષ દોશીએ શંકા વ્યકત કરી નાગરિકોને લોકશાહી - ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ ટકી રહે તે માટે સ્પષ્ટતા કરવા ચૂંટણી પંચને અનુરોધ કર્યો છે.

કોંગ્રેસ પ્રવકતા ડો.દોશીએ જણાવ્યું છે કે, રાજકોટમાં મતદાન મથકમાં ()માં કોંગ્રેસના બટન દબાવતા પણ કુલ મતની સંખ્યા બદલાતી નહોતી. એવી જ રીતે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક વોર્ડના ()ની ફરિયાદો છતાં રાજય ચૂંટણી પંચ 'બધુ બરાબર છે'ના ગાણાં ગાઇ રહ્યું છે ત્યારે રાજય ચૂંઠણી પંચ સામાન્ય મતદારોના વિશ્વાસ ટકી રહે તે માટે મતદાનમાં અઢી કલાકમાં આવેલો જબરજસ્ત ઉછાળા અંગે સાચી વિગતો જાહેર કરવી જોઇએ. તેમણે જણાવ્યું છે કે, રાજય ચૂંટણી પંચના સત્તાવાર ડેશ બોર્ડ પર ૩.૩૦ કલાકે ૨૬.૩૮ ટકા મતદાન દર્શાવ્યું છે. ૬ મહાનગરપાલિકાના છેલ્લા અઢી કલાકમાં મતદાનની ટકાવારી અચાનક જ ૨૧.૩૨ ટકા ઉછળીને ૪૩.૧૫ ટકા પર પહોંચી ગઇ હતી!

(10:05 am IST)