વાપીના હરિયાપાર્ક પાસે ટ્રકના પાછલા વ્હીલમાં દંપતિ કચડાયુ
ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની બંનેના મોત : પતિ-પત્ની એકટીવા પર જઇ રહ્યા હતા ત્યારે જ ટર્નિંગમાં બેફામ સ્પીડે આવેલી ટ્રકે દંપતિનો ભોગ લીધો : અહેવાલ
અમદાવાદ, તા.૨૩ : વલસાડના વાપી પાસે હરિયાપાર્ક વિસ્તારમાં માંતેલા સાંઢની જેમ આવેલી ટ્રકે એકટીવા પર જઇ રહેલા દંપતિને અડફેટે લેતાં બહુ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. ટ્રકચાલકની ગંભીર બેદરકારીના કારણે આ આધેડ દંપતિ ટ્રકના પાછલા વ્હીલમાં આવી ગયુ હતુ અને પતિ-પત્ની બંનેના ગંભીર ઇજાઓ થવાના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપી ટ્રકચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, વલસાડ જિલ્લાના વાપી પાસે હરિયાપાર્ક વિસ્તારમાં એક દંપતિ એકટીવા સ્કુટર પર પોતાના કામે જઇ રહ્યું હતું ત્યારે એક સોસાયટી પાસેના ટર્નીંગમાંથી વળતી વખતે જ પૂરપાટઝડપે માંતેલા સાંઢની જેમ આવેલી ટ્રકના ચાલકે પોતાનું ભારે વાહન ગંભીર બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે હંકારી બેફામ સ્પીડમાં આ દંપતિના સ્કુટરને અડફેટે લીધુ હતુ, જેના કારણે એકટીવા જમીન પર પડી ગયુ હતુ અને પતિ-પત્ની બંને ટ્રકની પાછળના વ્હીલમાં કચડાઇ ગયા હતા.
ટ્રકના મોટા અને ભારે વ્હીલ નીચે કચડાઇ જવાથી બંને પતિ-પત્નીના ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા. આઘાતજનક વાત તો એ હતી કે, દંપતિને ટ્રક નીચે કચડીને ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપી ટ્રકચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને સ્થાનિકોમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.