ગુજરાત
News of Sunday, 23rd February 2020

અધિકારીઓ કામ નહીં કરતા વડોદરાના ભાજપ કોર્પોરેટરે પોતાના વિસ્તારના સ્પીડ બ્રેકર પર જાતે સફેદ પટ્ટા માર્યા

કોર્પોરેટર નીતિન ડોંગાએ કહ્યું મે કોર્પોરેટર તરીકે પટ્ટા નથી માર્યા. મે વડોદરાના નાગરિક તરીકે આ રસ્તા પર ઘણા લોકોના અકસ્માત થતા હતા એટલે પટ્ટા માર્યા

વડોદરાના વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર નીતિન ડોંગાએ પોતાના વિસ્તારમાં બાનાવામાં આવેલા સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા લગાવવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓને ઘણી રજૂઆત કરી હતી. અધિકારીઓ દ્વારા રજૂઆત નહીં સાંભળતા કોર્પોરેટરે રાત્રીના સમયે તેમના વિસ્તારમાં આવેલા તમામ સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા લગાવ્યા હતા. અકસ્માતની ઘટના ન બને તે માટે કોર્પોરેટર દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું.

નીતિન ડોંગાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મે કોર્પોરેટર તરીકે પટ્ટા નથી માર્યા. મે વડોદરા શહેરના નાગરિક તરીકે આ રસ્તા પર ઘણા લોકોના અકસ્માત થતા હતા એટલે પટ્ટા માર્યા છે. આ બાબતે મેં તંત્રને કહ્યું હતું પણ તંત્રની ઘણી મજબૂરીઓ હોય છે, જ્યારે અધિકારીઓ સાથે વાતચીત થઈ ત્યારે તેમને કીધું કે, હજુ નવો ઈજારો થયો નથી. નવા ઈજારો થાય એટલે અમે પટ્ટા મારી દેશું. આમ છતાં પણ મને એમ લાગે છે કે, દરેક નાગરિક પોતે તંત્ર છે. જેટલું બની શકે તેટલું કામ કરવું જોઈએ. એક સ્પીડ બ્રેકર બાકી છે બાકી વિસ્તારના બધા સ્પીડ બ્રેકરો પર પટ્ટા મારવામાં આવ્યા છે. હું એમ નથી માનતો કે, આ ધરતી પર આપણે 100% કામની અપેક્ષા કોઈની પાસેથી રાખવી જોઈએ.

(9:03 pm IST)