ગુજરાત
News of Friday, 23rd February 2018

આઇટી રિટર્ન ભર્યાના ૩૪ વર્ષે થઇ સજા

૧૯૮૩માં ફાઇલ કર્યું હતું આઇટી રિટર્નઃ કરદાતાએ દંડ ચૂકવવાનો ઇન્કાર કર્યો

અમદાવાદ તા. ૨૩ : ૩૪ વર્ષ પહેલાં એક બિઝનેસમેને ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કર્યું હતું. ૧૯૮૩માં ફાઇલ કરેલા આઇટી રિટર્નમાં તેણે ખોટા પેપર જમા કરાવ્યાં હતાં. અમદાવાદ કોર્ટે ૩૪ વર્ષ બાદ આરોપીને દોષિત જાહેર કર્યો છે. આઇટી ડિપાર્ટમેન્ટ દ્વારા ૧૯૯૩માં આ બિઝનેસમેન સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

ગુરુવારે ઘીકાંટા એડિશનલ એજિસ્ટ્રેટ્સ કોર્ટે સુરેશચંદ્ર છગનલાલને ટેકસમાંથી છટકવા માટે રિટર્ન ફાઇલિંગ અને રિવાઇઝડ રિટર્નમાં ખોટી માહિતી આપવા બદલ દોષિત જાહેર કર્યો. ૧૯૯૩માં આવકવેરા વિભાગે ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો, ૨૭ જુલાઇ ૧૯૮૩ના રોજ એસેસેમન્ટ યર ૧૯૮૩-૮૪ માટે રિટર્ન ઓન ઇનવેસ્ટમેન્ટ (ROI) ફાઇલ કર્યું હતું.

૧,૩૭,૦૦૦ રૂપિયાનો હિસાબ સમજાય તેમ ન હોવાથી એસેસમેન્ટ ઓફિસરે રિટર્ન મળનાર ૨૪૮૦૦ રૂપિયા નામંજૂર કર્યા અને ઇન્કમટેકસ એકટના સેકશન ૨૭(૧)(c) અંતર્ગત ૩૬૪૦૦ રૂપિયાનો દંડ ફંટકાર્યો હતો. બાદમાં કરદાતાએ લાદવામાં આવેલો કર ન ચૂકવતાં એસેસમેન્ટ ઓફિસર દ્વારા ROIમાં ખોટા વેરિફિકેશન અને ટેકસમાંથી બચવા માટે જાણીજોઇને કરેલા પ્રયત્નો બદલ સેકશન ૨૭૬C(૧), ૨૭૭ અને ૨૭૮C અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.

ગુરુવારે કોર્ટે આ મામલે સુરેશચંદ્ર છગનલાલને ટેકસમાંથી છટકવા માટે જાણીજોઇને કરેલા પ્રયત્ન અને રિવાઇઝ રિટર્ન માટે કરેલા ખોટા વેરિફિકેશન બદલ સેકશન ૨૭૬C(૧), ૨૭૭ અને ૨૭૮ અંતર્ગત ૩ મહિનાની જેલ અને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો. ઉપરાંત IPC કલમની સેકશન ૧૭૭, ૧૯૩, ૧૯૬, ૧૯૯ અને ૧૧૪ અંતર્ગત વધુ ૬ મહિનાની જેલ અને ૫૦૦ રૂપિયા દંડ ફટકાર્યો.

ગુજરાત આવકવેરા વિભાગના પ્રિન્સિપાલ ચિફ કમિશનર અનુપ કુમાર જૈશવાલે કહ્યું કે, 'આ એક અગ્રણી ચૂકાદો છે. હવે સમય આવી ગયો છે જયારે આવકવેરા વિભાગ દ્વારા પ્રામાણિક કરદાતાઓને મહત્ત્।મ સહાય આપવામાં આવશે જયારે ટેકસ ચોરોને ઉચિત સજા કરવામાં આવશે.' ટેકસના રૂપિયા પરત મેળવવામાં ૩૪ વર્ષનો સમય કેમ લાગ્યો પૂછવામાં આવતાં અનુપ કુમારે કહ્યું કે 'અમે એકાગ્રતાથી સમગ્ર મામલાનો અભ્યાસ કરી રહ્યા છીએં.'(૨૧.૧૦)

(11:40 am IST)