ગુજરાત
News of Saturday, 23rd January 2021

અમદાવાદ :કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીને ઝડપવા 7 પોલીસ જવાનોએ જીવની બાજી લગાવી ઝડપ્યો

જુહાપુરાના કુખ્યાત અમીન મારવાડીએ કારની ટક્કર મારી પોલીસ જવાનની હત્યાની કોશિશ કરી ફરાર થતા પોલીસે પીછો કરીને આરોપીને ઝડપી પાડ્યો

અમદાવાદ: શહેરના જુહાપુરાના કુખ્યાત અમીન મારવાડીએ કારની ટક્કર મારી પોલીસ જવાનની હત્યાની કોશિશ કરી ફરાર થયો હતો. પોતાના સાથી પોલીસ જવાનની હત્યાની કોશિશ કરનાર અમીનને ઝડપી લેવા 7 પોલીસ જવાનોએ જાનની બાજી લગાવી દીધી હતી

 જુહાપુરામાં રાત્રે સર્જાયેલા ચોર પોલીસના આ ફિલ્મી દ્રશ્યો જોઈ લોકોએ પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા. પોલીસને બાતમી મળી કે, કુખ્યાત અમીન મારવાડી ઘાતક હથિયાર સાથે પસાર થવાનો છે. પોલીસે બાતમી મુજબ કાર રોકવા પ્રયાસ કરતા આરોપી પોલીસ કોન્સ્ટેબલને ટક્કર મારી ભાગ્યો હતો. વેજલપુર પોલીસે આરોપી પાસેથી રિવોલ્વર, તલવાર, છરી અને બે બેઝબોલ સ્ટીક કબ્જે લઈ કાર્યવાહી કરી હતી.

વેજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભયલુભા દિલુભા, સિદ્ધરાજસિંહ રતનસિંહ, રવીરાજસિંહ મહિપતસિંહ અને એલઆર જવાન નાગરાજ અમકુભાઈ ફતેવાડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન બાતમી મળી કે, કુખ્યાત અમીન મારવાડી લાલ ફોર્ડ એન્ડેવર કારમાં રિવોલ્વર, તલવાર, છરી અને બેઝબોલના સ્ટીક જેવા હથિયારો સાથે લોખંડવાલા પાર્ટી પ્લોટથી જુહાપુરા તરફ જવાનો છે.

આથી બાતમી મુજબ, પોલીસ જવાનો અમીન મારવાડી ઝડપી લેવા વોચમાં ગોઠવાયા અને પોલીસ સ્ટેશને જાણ કરી અન્ય સ્ટાફ બોલાવ્યો હતો. આ દરમિયાન રાત્રે 8.30 વાગ્યે બાતમી મુજબ કાર આવતા પોલીસે કાર રોકવા ઈશારો કરતા આરોપીએ કાર રોકી નહી. પોલીસે બાઇક પર પીછો કરી પોલીસની ઓળખ આપી કાર રોકવા જણાવ્યું પણ આરોપીએ પોલીસના બાઇક તરફ કાર હંકારી હતી.

સિદ્ધરાજસિંહ અને ભયલુભાએ બાઇક કારથી આગળ લીધું અને તે સમયે રવીરાજસિંહ અને નાગરાજ બીજા બાઇક ઓર આવ્યા હતા. સિદ્ધરાજસિંહે બાઇક પરથી ઉતરી આરોપીની કાર તરફ જઈ રોકવા ઈશારો કરતા અમીન મારવાડીએ તેઓને કારની ટક્કર મારી મોત નીપજાવવાની કોશિશ કરી સરખેજ તરફ ભાગ્યો હતો.

શાળા સંચાલક મંડળનો મુખ્યમંત્રીને પત્ર, કોરોના વોરિયર્સ ટીમો પાસે વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરાવવા રજૂઆત

સિદ્ધરાજસિંહને ઈજાઓ થતા રવીરાજસિંહ તેમની જોડે રોકાયા જ્યારે ભયલુભા અને નાગરાજે બાઇક પર આરોપીનો પીછો ચાલુ રાખ્યો હતો.પોલીસ જવાનોએ સિટી પલ્સ સિનેમા, સરખેજ ઢાળ, સફીલાલા દરગાહ, અલબુર્જ રોડ, સોનલ રોડ, વેજલપુર ઢાળથી વેજલપુર ચોકી થઈ અંજીમપાર્ક થઈ આયેશા મસ્જિદ સુધી પીછો કર્યો હતો.

આ સમયે વેજલપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે પોતાની મોબાઈલ વાન વચ્ચે નાંખી અમીન મારવાડીની કાર રોકી હતી. એએસઆઈ ગીરીરાજસિંહ અનિરુદ્ધસિંહ, હેડ કોન્સ્ટેબલ રાકેશ ધનજી, વિજય ધીરૂભાઇ, કીરીટસિંહ દીપસિંહ, મ્યુદ્દીન મકબુલમીયા તેમજ બાઇક પર પીછો કરતા ભયલુભા અને નાગરાજએ કારણે કોર્ડન કરી નજીક જતા આરોપી અમીન મારવાડીએ તમામ સામે કારનો કાચ ઉતારી રિવોલ્વર તાકી સાતે સાત પોલીસ જવાનોને જાનથી મારવાની ધમકી આપી હતી.

પોલીસ ટીમે આરોપીની રિવોલ્વર પકડી કારના કાચ તોડી બહાર કાઢ્યો હતો. અમીન મારવાડીએ જાહેર રોડ પર પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે બળપ્રયોગ કરી આરોપીને સરકારી વાહનમાં બેસાડી દીધો હતો. અમીનની કારમાંથી રિવોલ્વર, તલવાર, છરી અને બેઝબોલ સ્ટીક સહિતના હથિયાર પકડાયા હતા.

વેજલપુર પોલીસે બનાવ અંગે આરોપી અમીન ઉર્ફ અમીન મારવાડી ઇબ્રાહીમભાઈ જાટ (ઉં,49- રહે, જહાંગીર પાર્ક સોસાયટી, એવન સ્કૂલ સામે, જુહાપુરા) વિરુદ્ધ કોન્સ્ટેબલ ભયલુભા દિલુભાની ફરિયાદ આધારે ગુનો નોંધ્યો હતો. આરોપી વિરુદ્ધ IPCની કલમ 307, 332, 186, 279, 506 (2), તેમજ જીપીએક્ટ, હથિયાર ધારા અને મોટર વાહન અધિનિયમ મુજબની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત સિદ્ધરાજસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતાં. જેઓના હાથે અને પગે ગંભીર ઈજાઓ થઈ હતી.

(11:33 am IST)