ગુજરાત
News of Saturday, 23rd January 2021

એલિસબ્રિજ ધારાસભ્ય રાકેશ શાહના ડ્રાઈવરના હાથમાંથી મોબાઈલ ફોન આંચકી ગઠીયાઓ ફરાર

જમાલપુર સ્મશાનગૃહ પાસે ચીલઝડપ : ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદ :  એલિસબ્રિજ ધારાસભ્ય રાકેશ શાહનો ડ્રાઈવર લૂંટારૂની ઝપટે ચડયો છે જમાલપુર સ્મશાનગૃહ પાસેથી આરોપીઓ ધારાસભ્યના ડ્રાઈવરનો ફોન આંચકી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

 આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય શાહના ડ્રાઈવર તરીકે છ વર્ષથી ફરજ બજાવતા અશોક મંગાજી ઠાકોર (ઉં,32) મારવાડી લુહારની ચાલી, રામદેવપીરના મંદિર પાસે, જમાલપુર ચાર રસ્તા પાસે રહે છે.અશોક શુક્રવારે રાત્રે 9 વાગ્યે પોતાની નોકરી પુરી કરી પગપાળા ઘરે પરત ફરતો હતો. તે NIDથી સરદારબ્રિજ થઈ જમાલપુર સ્મશાનગૃહ તરફ આવ્યો હતો. રસ્તામાં ચાલતા ચાલતા અશોક તેના મોબાઈલ ફોનથી મિત્રને મેસેજ કરી રહ્યો હતો. તે દરમિયાન બે યુવકો જમાલપુર ચાર રસ્તા તરફથી બાઈક લઈ અશોક તરફ આવતા તે ગભરાયો હતો. બાઈક લઈ નજીક આવેલા ચાલક યુવકે અશોકના હાથમાંથી ફોન આંચકી તેની પાછળ બેઠેલા શખ્સને આપ્યો હતો

 

ફોન આંચકી બાઈક પુરઝડપે ભગાવી આરોપીઓ ફરાર થઈ જતા અશોકે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. બનાવને પગલે ગાયકવાડ હવેલી પોલીસે અશોક ઠાકોરની ફરિયાદ આધારે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ રૂ.30 હજારના ફોનની ચિલઝડપ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં અશોક ઠાકોરે જણાવ્યું કે, રિલાયન્સ મોલમાંથી પોતે ફોન ઇન્સ્ટોલમેન્ટ પર 7 માસ અગાઉ મિત્રના નામ પર લીધો હતો. ફોનની લૂંટ ચલાવનાર આરોપીઓના બાઈકનો નંબર રાત્રીના અંધકારમાં જોઈ શકાયો ન હતો.

(11:32 am IST)