ગુજરાત
News of Thursday, 23rd January 2020

નર્મદા જિલ્લા મધ્યાહન ભોજનમાં ઉપરથી તપાસ થવાની અગાઉથી જાણ કરાતા બેનંબરી તત્વો એલર્ટ

નર્મદા જિલ્લામાં મધ્યાહન ભોજનમાં આપતા ભોજનમાં ગુણવત્તા પર ઉઠેલા વારંવારના સવાલો માટે કોણ જવાબદાર..? કેટલુંક અનાજ બારોબાર સગેવગે થતું હોય અમૂકમાં મિલાવટ થતા હલકી ગુણવત્તા હોય તેવી બુમો : આકસ્મિક તપાસ જરૂરી બની હોય તેના બદલે આગવી જાણ કરાતા બેનંબરી તત્વો સજાગ થતા સબ સલામતના રિપોર્ટ જ થશે.

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદા જિલ્લામાં મધ્યાહન ભોજનમાં ગુણવત્તા વગરનું ભોજન અને નાસ્તો અપાતો હોવાની બુમો બાદ મધ્યાહન ભોજન અધિકારીએ જિલ્લાના TDOને એલર્ટ કર્યા છે.

નર્મદા જિલ્લાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવે છે.પરંતુ અગાઉ નર્મદા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં ગુણવત્તા વગરનું ભોજન અને નાસ્તો અપાતો હોવાની બુમો પણ ઉઠી હતી.

જેમાં નવેમ્બર 2018 ના રોજ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની કેવડિયાના કોઠી ગામ પ્રાથમિક શાળા ખાતે એક કાર્યક્રમ માં આવ્યા હતા.ત્યારે એ જ શાળાના મધ્યાહન ભોજન ના રૂમમાંથી સડેલા ચણા મળ્યા હતા.આ મામલે ભારે હોબાળો મચ્યો હતો જેની તપાસના આદેશ સ્મૃતિ ઈરાનીએ આપ્યા હતા. તે સમયે જવાબદારોને સસ્પેન્ડ પણ કરાયા હતા. હાલ 23/1/2020 થી 25/1/2020 દરમિયાન દિલ્હીથી પબ્લિક હેલ્થ ન્યુટ્રિશ વિભાગની એક કમિટી ડો.એ.લક્ષમૈહની આગેવાનીમાં નર્મદા જિલ્લાની મુલાકાતે લેશે.ત્યારે જિલ્લામાં પુનઃ કોઠી પ્રાથમિક શાળા જેવી કોઈ ઘટના ન બને તે સંદર્ભે નર્મદા જિલ્લાનું મધ્યાહન ભોજન વિભાગ એલર્ટ બન્યું છે.અને આ ટિમ આવે એ પહેલાં પોતાની ગોદડી સચવાય એ માટે પહેલી થી જ જાણ કરાતા બેનંબરી તત્વો એલર્ટ થઈ ગયા હોય ટિમ તપાસ કરશે ત્યારે સબ સલામત જ જણાશે.

  આ મામલે નર્મદા જિલ્લા મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેકટર દ્વારા જિલ્લાના તમામ TDOને એક પરિપત્ર પણ જાહેર કરાયો છે.જેમાં જણાવ્યું છે કે આ કમિટી જિલ્લાની કોઈ પણ શાળાની મુલાકાત લઈ બાળકોને અપાતા મધ્યાહન ભોજન અને નાસ્તાની ચકાસણી કરી શકે છે.તો જેતે મધ્યાહન ભોજન કેન્દ્રની સાફસફાઈ કરાવવી, અનાજનો જથ્થો કેન્દ્ર પર ઉપલબ્ધ કરાવી એની ગુણવત્તા ચકાસવી, બાળકોને હાથ ધોવા સાબુની વ્યવસ્થા કરવી.નર્મદા જિલ્લાએ આ અગાઉ બનેલા બનાવથી બોધપાઠ લઈને આ વખતે પાણી પહેલા પાડ બાંધી દીધી છે પરંતુ ખરેખર અગાઉ ઉઠેલી બુમ બાદ ઉપરથી આકસ્મિક તપાસ થાય ત્યારેજ સાચી હકીકત બહાર આવે અને બેનંબરીયાઓ ની પોલ પકડાય પરંતુ આતો સ્થાનિક અધિકારીઓ જ અગાઉ થી બેનંબરીયા ઓને સાવચેત કરી દેતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ત્યારે શાળાઓમાં અભ્યાસ કરતા નાના બાળકોના નાસ્તા કે ભોજનમાં મિલાવટ કે ગુણવત્તા બાબતે આકસ્મિક તપાસ જરૂરી છે.

(7:15 pm IST)