ગુજરાત
News of Tuesday, 22nd November 2022

ઠંડી શરૂ થતા લીલા શાકભાજીના ભાવ ઘટવા લાગ્‍યા

શિયાળાને લીધે બજારમાં લીલા શાકભાજીની આવક ડબલ થઇ ગઇ છે : લીલા શાકભાજીની આવક વધી સાથે સાથે હોલસેલ માર્કેટમાં ભાવ ઘટતા છૂટક બજારમાં ભાવ ઘટયાઃ રૂા. ૭૦ થી રૂા. ૧૦૦ના કિલો મળતા શાકભાજીના ભાવ રૂા. ૫૦માં મળતા જ ગૃહિણીઓ ખુશખુશાલ

અમદાવાદ,તા. ૨૨: શિયાળાની શરૂઆત થતા જ બજારમાં લીલાં શાકભાજીની આવક વધતા છૂટક વેચાણમાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. હોલસેલમાં ટામેટાં રૂ.૧૦ કિલો અને રિટેઇલમાં રૂ.૧૬ કિલો, લીંબુ રૂ.૨૦ કિલો લેખે મળતા હતા તે અત્‍યારે રૂ.૩૦ કિલો, કોથમીર રૂ.૧૫ કિલો અને રિટેઈલમાં રૂ.૨૫ કિલો લેખે વેચાણ થઈ રહી છે. આ જ રીતે લીલા શાકભાજી રૂ.૭૦ થી૧૦૦ કિલો મળતા હતા તે અત્‍યારે રિટેઈલમાં રૂ.૫૦ના કિલો મળી રહ્યા છે. શાકભાજીના વેપારીઓના જણાવ્‍યા મુજબ, શિયાળો શરૂ થવાનો હોવાથી લીલા શાકભાજીની આવક વધી હોવાથી ભાવો ઘટી ગયા છે.

શિયાળાને લીધે બજારમાં લીલા શાકભાજીની આવક ડબલ થઈ ગઈ છે. જેના લીધે ભીંડા, ગવાર, ટીંડોળા, ચોળી, સુરતી પાપડી, હોલસેલ માર્કેટમાં રૂ.૨૫ થી ૪૦ના કિલો લેખે વેચાય છે. જયારે રિટેઈલ માર્કેટમાં રૂ.૫૦ના કિલો લેખે વેચાણ થાય છે. જો કે, ટામેટા હોલસેલમાં રૂ.૧૦ના કિલો અને રિટેઈલમાં રૂ.૧૬ના કિલોનો ભાવ ચાલી રહ્યા છે. આમ શાકમાર્કેટમાં શાકભાજીની આવક વધતા વેપારીઓ દ્વારા ભાવો ઘટાડી દેવામાં આવ્‍યા છે. ગૃહિણીઓના જણાવ્‍યા મુજબ આ વખતે લીલા શાકભાજીના ભાવો ઘટતા જ ઉત્તરાયણમાં લોકોને ઊંધિયું સસ્‍તુ મળી શકે તેમ છે. ખેડૂતો દ્વારા જમાલપુર શાકમાર્કેટમાં શાકભાજીનું હોલસેલમાં વેચાણ થાય છે. આ શાકભાજીનું સેમી હોલસેલ માર્કેટ કાલુપુર અને રાજનગર માર્કેટમાં વેચાણ થાય છે. આ સેમી હોલસેલ માર્કેટમાં પણ શાકભાજીના ભાવો ઘટી જતા વેપારીઓનો વકરો ઓછા થતા હવે એમ બોલવા લાગ્‍યા છે કે, મંદી આવી ગઈ છે કારણ કે, પહેલા શાકભાજીનું વેચાણ કરતા વકરો વધુ આવતો હતો, અત્‍યારે શાકભાજીનું વેચાણ ડબલ કર્યુ હોવા છતાં વકરો અડધો થઈ ગયો છે. જેના લીધે વેપારીઓ મંદી આવ્‍યાનું રટણ કરી રહ્યા છે.

શાકભાજી      કિલોનો ભાવ

ભીંડો          રૂા.૪૫

રવૈયા         રૂા.૫૦

કોબીજ        રૂા.૨૦

ફુલાવર       રૂા.૨૫

દેશી કાકડી    રૂા.૫૦

દૂધી           રૂા.૩૦

લીંબુ          રૂા.૩૫

ટામેટા         રૂા.૫

ગલકા         રૂા.૪૦

ટીંડોળા        રૂા.૫૦

સરગવો       રૂા.૯૦

ચોળી         રૂા.૮૦

ગવાર         રૂા.૬૫

વાલોળ પાપડી  રૂા.૫૫

વટાણા        રૂા.૮૦

મેથી          રૂા.૪૦

કોથમીર       રૂા.૩૦

મૂળા          રૂા.૩૦

પાલક         રૂા.૩૦

ગાજર         રૂા.૩૫

સીમલા મરચા રૂા.૨૫

દેશી મરચા   રૂા.૩૫

તૂરીયા  રૂા.૫૦

(4:21 pm IST)