ગુજરાત
News of Monday, 22nd November 2021

નાસિકથી ખરીદી કરવા આવેલ વેપારીને સુરતમાં રિક્ષામાં સહમુસાફરના સ્વાંગમાં ગઠિયાએ 1.97 લાખ તફડાવી લેતા પોલીસ ફરિયાદ

સુરત: મહારાષ્ટ્રના નાસીકમાં રહેતા અને બોથરા જનરલ સ્ટોર નામે એગ્રીકલ્ચર સામાનનો વેપાર કરતા સંદીપ સુવાલાલ બોથરા (ઉ. વ 51) દુકાનનો સામાન ખરીદવા ગત સવારે નાસીકથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં સુરત આવ્યા હતા. સુરત રેલ્વે સ્ટેશનની સામે જૈન ધર્મશાળામાં જવા માટે ચાલતા ચાલતા રોડ ક્રોસ કરીને જતા હતા ત્યારે તેમની નજીક એક ઓટો રીક્ષા આવીને ઉભી રહી હતી. રીક્ષામાં અગાઉથી ત્રણ જણા સવાર હતા અને ધર્મશાળા જવા માટે તેઓ પણ રીક્ષામાં બેસી ગયા હતા.

ચાલુ રીક્ષામાં અગાઉથી રીક્ષામાં સહમુસાફરના સ્વાંગમાં સવાર ગઠીયાએ મેરે કો મા કે લિયે દવા લેની હૈ તેમ કહી રીક્ષા રોકાવી અને રીક્ષામાંથી ઉતરી થોડા દૂર જઈને પાછા રીક્ષામાં બેસી ગયો હતો. આ દરમિયાન ત્રણેય જણાએ આગળ પાછળ બેસવાનું નાટક કર્યુ હતું અને ચાલકે રીક્ષામાં અગાઉથી સવાર ત્રણેયે સ્પેશીયલ રીક્ષા કરી છે તો તેમને પહેલા ઉતારી દઉં છું એમ કહી માનવધર્મ સર્કલ તરફ રીક્ષા રોંગ સાઇડ હંકારી હતી. દરમિયાનમાં માનવધર્મ આશ્રમ પાસે રીક્ષામાંથી વેપારીનો સામાન ફેંકી દઇ ચલો ઉતરો એમ કહી રીક્ષામાંથી ઉતારીને ભાગી ગયા હતા. ગઠીયાઓએ વેપારીએ પેન્ટના ચોર ખિસ્સામાં મુકેલા રોકડા 1.97 લાખ તફડાવી લીધા હતા. ઘટના અંગે રીક્ષા ન. જીજે-05-બીવાય-1883 ના ચાલક સહિતના વિરૃધ્ધ વેપારીએ કતારગામ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

(5:58 pm IST)