ગુજરાત
News of Friday, 22nd November 2019

નિત્યાનંદના આશ્રમમાંથી 43 ટેબ્લેટ,14 લેપટોપ પેનડ્રાઈવ અને મોબાઈલો જપ્ત : FSLમાં મોકલાશે

પોલીસે એક લોકર પણ કબ્જે લઈ તપાસ હાથ ધરી

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા વિવાદીત સ્વામી નિત્યાનંદનાં યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં તામિલનાડુનાં જનાર્દન શર્માની દીકરી નિત્યાનંદિતા કથીત રીતે ગુમ થવા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે પોલીસ દ્વારા આશ્રમમાં સર્ચ ઓપરેશન હાધ ધરાયું હતું.

             નિત્યાનંદ આશ્રમમાં પોલીસની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હાથીજણ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમમાં કથિત રીતે બાળકોને ગોંધી રાખવા અને યુવતીઓ ગુમ થવાના કેસની તપાસ કરી રહેલી પોલીસે આજે આશ્રમમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન પોલીસે આશ્રમમાંથી શંકાસ્પદ સામગ્રી કબ્જે લીધી હતી. પોલીસે 43 ટેબ્લેટ, 14 લેપટોપ, 3 પેન ડ્રાઈવ કબ્જે લીધી હતી. તેમજ 3 CPU, 1 DVR, 1 પેડ અને 4 મોબાઈલ પણ કબ્જે લીધા હતા. આ ઉપરાંત પોલીસે એક લોકર પણ કબ્જે લઈ તપાસ હાથ ધરી હતી.

              પોલીસે આશ્રમમાં સર્ચ કરીને જપ્ત કરેલા લેપટોપ અને મોબાઇલ ફોનને એફએસએલમાં ચકાસણી માટે મોકલવામાં આવશે. લેપટોપ અને મોબાઇલ ફોનમાં લોક છે જેને આશ્રમના સંચાલકોએ ખોલવાનો ઇન્કાર કરી દેતા પોલીસે એફએસએલની મદદ લેવાનું નક્કી કર્યુ છે. તો નિત્યાનંદ અને નિત્યાનંદિતાને શોધવા પણ કાર્યવાહી હાથ ધરાશે.

(8:27 pm IST)